છૂટાછેડા લઇ બીજા લગ્ન કરનાર પત્ની પૂર્વ પતિ પર ઘરેલું હિંસાનો કેસ ન કરી શકે : હાઇકોર્ટ

Hits: 89

ઘરેલું હિંસાના કાયદાની સ્પષ્ટતા કરતાં એક ચુકાદામાં હાઇકોર્ટના જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ ઠરાવ્યું હતું કે,‘છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન કરી લેનારી મહિલા તેના પૂર્વ પતિ સામે ઘરેલું હિંસાના કાયદા હેઠળ ફરિયાદ કરી શકે નહીં.’ હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલા એક અત્યંત વિચિત્ર કેસમાં છૂટાછેડા લીધાના ૨૭ વર્ષે એક મહિલાએ તેના પૂર્વ પતિ સામે ઘરેલું હિંસાના કાયદા હેઠળનો કેસ કર્યો હતો.

આ મહિલાએ છૂટાછેડા તો લીધા હતા પરંતુ તે બીજા લગ્ન કરીને ઠરીઠામ પણ થઇ ગઇ હતી. પરંતુ એના વર્ષો બાદ તેણે પૂર્વ પતિની સામે ઘરેલું હિંસાનો કેસ સુરેન્દ્રનગરમાં કરતાં તે કાર્યવાહીને રદ કરાવવાની માગ સાથે પતિએ હાઇકોર્ટમાં દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઇકોર્ટે પતિની અરજીને ગ્રાહ્ય રાખી હતી અને પત્નીએ ઘરેલું હિંસાના કાયદા હેઠળ હાથ ધરેલી કાર્યવાહીને રદબાતલ કરી હતી. 

આ કેસમાં અરજદાર કાનજી પરમારે હાઇકોર્ટમાં રિટ કરીને સુરેન્દ્રનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેની વિરુદ્ધ  ઘરેલું હિંસાના કાયદા હેઠળ હાથ ધરેલી કાર્યવાહીને રદ કરવાની માગ કરી હતી. આ કેસમાં તમામ પક્ષોની લંબાણપૂર્વકની રજૂઆતો બાદ હાઇકોર્ટના જસ્ટિસ ત્રિવેદીએ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા કે,‘પતિ-પત્નીના છૂટાછેડા લીધા બાદ ઘરેલું હિંસાના કાયદાની જોગવાઇઓ લાગી શકે કે કેમ? પીડિત પત્ની બીજા લગ્ન કરી લે તો એ પૂર્વ પતિ સામે ઘરેલું હિંસાનો કેસ કરી શકે? ૨૮ વર્ષ પહેલા છૂટાછેડા લીધા બાદ પત્ની બીજા લગ્ન કરી લે ત્યારબાદ શું તે પૂર્વ પતિ સામે ઘરેલું હિંસાનો કેસ કરી શકે?’ આ તમામ પ્રશ્નોની કાયદાકીય છણાવટ કરતાં જસ્ટિસ ત્રિવેદીએ ઘરેલું હિંસાના કાયદામાં ‘પીડિત વ્યક્તિ’ અને ‘ઘરેલું કે કૌટુંબીક સંબંધ’ની વ્યાખ્યાની સ્પષ્ટતા કરી હતી.

જેમાં નોંધ્યું હતું કે,‘કાયદાની વ્યાખ્યાની છણાવટ કરતાં સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી પતિ-પત્ની ‘ઘરેલુ કે કૌટુંબિક સંબંધ’માં હોય ત્યાં સુધી પત્નીને ‘પીડિત વ્યક્તિ’ કહી શકાય. પરંતુ જો આ સંબંધ નો અંત આવે તો ‘ઘરેલું સંબંધ’ પૂર્ણ થઇ જાય છે અને પત્ની ‘પીડિત વ્યક્તિ’ રહેતી નથી. તેથી બે વ્યક્તિ(પતિ-પત્ની) વચ્ચે છૂટાછેડા થયા બાદ તેમના વચ્ચે ‘ઘરેલું સંબંધ’ પણ રહેતો નથી અને તે બંનેમાંથી કોઇ પણ ઘરેલું હિંસા અંતર્ગત ‘પીડિત વ્યક્તિ’ પણ રહેતી નથી. હા, ઘરેલું હિંસાનો કેસ કર્યા બાદ છૂટાછેડા લીધા હોય તો સમગ્ર ચિત્ર જુદું હોઇ શકે.

તેથી કોર્ટનો મત છે કે છૂટાછેડા લીધા બાદ પત્ની ઘરેલું હિંસાની કાર્યવાહી કરી શકે નહીં. પ્રસ્તુત કેસમાં પત્નીએ અરજદાર પૂર્વ પતિ જોડેથી ૨૮ વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા અને ત્યારબાદ બીજા લગ્ન પણ કરી લીધા હતા તેથી પૂર્વ પતિ સાથેનો તેનો કોઇ ઘરેલુ સંબંધ રહેતો નથી. પરિણામે તે પૂર્વ પતિ સામે ઘરેલું હિંસાની કાર્યવાહી પણ કરી શકે નહીં.’

શું છે આ કેસ ?

આ કેસની હકીકત એવી છે કે અરજદાર કાનજીભાઇએ ૩૫ વર્ષ પહેલાં ફરિયાદી મહિલા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમણે ૧૯૯૦માં છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ મહિલાએ પૂર્વ પતિ સામે ૨૭ વર્ષ બાદ ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો.

આ કેસની કાર્યવાહીને રદ કરવા અરજદાર પૂર્વ પતિએ હાઇકોર્ટમાં રિટ કરી રજૂઆત કરી હતી કે,‘પત્નીએ ૨૭ વર્ષ પહેલાં છૂટાછેડા લીધા હતા અને ત્યારબાદ બીજા લગ્ન કરી લીધા હતા. જ્યારે પત્ની અને સરકાર તરફથી એવી રજૂઆત હતી કે,‘ઘરેલું હિંસાની જોગવાઇ મુજબ પત્ની તેના પૂર્વ પતિ સાથે ઘરેલું સંબંધમાં રહી ચૂકી છે.

તેણે છૂટાછેડા લઇ લીધા હોવાથી આ કાયદો તેને ઘરેલું હિંસાની કાર્યવાહી કરતા અટકાવી શકે તેમ નથી. કેમ કે કાયદામાં કાર્યવાહી કરવા માટેની કોઇ સમયમર્યાદા બાંધવામાં આવી નથી. તેથી વિલંબના ગ્રાઉન્ડ પર પૂર્વ પતિ સામેની કાર્યવાહી રદ કરી શકાય નહીં.’ 

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!