સંપૂર્ણ બહુમતી સાથે બેઠેલી સરકાર બંધારણ માટે ખતરો છે ?

Hits: 66

૨૬મી જાન્યુઆરીનો  દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ ભારત સરકાર દ્વારા અધિનિયમ એક્ટ (૧૯૩૫)ને હટાવીને ભારતનું બંધારણ લાગુ પાડવામાં આવ્યું હતું. એક સ્વતંત્ર દેશને ચલાવવા માટે જે નીતિ નિયમો અને દેશમાં કાયદાકીય રાજ સ્થાપવા માટે જે નિયમો જોઇએ તે માટે બંધારણને ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના દિવસે ભારતીય બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું અને આ બંધારણને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લોકતાંત્રિક સરકારને સોંપીને તેનો અમલ જાહેર કરાયો.

ગણતંત્ર દિવસ માટે ૨૬મી જાન્યુઆરીનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કે ૧૯૨૯ના ડિસેમ્બર મહિનામાં લાહોર ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળ્યું હતું અને તેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે જો અંગ્રેજ સરકાર ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦ના દિવસ સુધીમાં ભારતને સ્વતંત્ર દેશ તરીકે ઘોષિત નહીં કરે તો ભારત પોતાને જ સ્વતંત્ર ઘોષિત કરી દેશે.

૨૬મી જાન્યુઆરી ૧૯૩૦ સુધી અંગ્રેજ સરકારે ભારતને સ્વતંત્રતા આપવા માટેની કોઇ ઘોષણા કરી નહીં ત્યારે કોંગ્રેસે તે દિવસે ભારતને પૂર્ણ સ્વતંત્ર બનાવવાનો નિશ્ચય જાહેર કર્યો અને સ્વતંત્ર આંદોલનને સક્રિય બનાવ્યું. ૧૯૩૦થી ૧૯૪૭માં જ્યારે દેશને આઝાદી મળી ત્યાં સુધી દેશમાં ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે આ દિવસને  સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરાયું.

દેશ આઝાદ થયા પછી બંધારણ સભા બનાવવામાં આવી. અને આ બંધારણ સભાએ પોતાનું કાર્ય ૯ ડિસેમ્બર ૧૯૪૭થી ચાલુ કર્યું. બંધારણ સભામાં ડો. ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નહેરુ, ડો. રાજેન્દ્રપ્રસાદ, સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાના અબુલકલામ આઝાદ વગેરે મુખ્ય સભ્યો હતા. બંધારણ બનાવવા માટે કુલ ૨૨ સમિતિઓની રચના કરાઇ. જેમાં સૌથી મહત્વની કમિટી ડ્રાફ્ટિંગ કમિટિ હતી. અને આ સમિતિનું કામ બંધારણને લખવાનું અને તેને બનાવવાનું હતું. આ સમિતિના અધ્યક્ષ તરીકે ડો. ભીમરાવ આંબેડકરની નિમણૂક કરાઇ હતી. બંધારણની આ ડ્રાફ્ટ કમિટિએ બે વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસમાં ભારતીય બંધારણનું નિર્માણ કર્યું. આ બંધારણ હસ્તલિખિત હતું જેની બે કોપીઓ સંવિધાન સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્રપ્રસાદને સોંપવામાં આવી.

બંધારણની પ્રત જ્યારે ડો. રાજેન્દ્રપ્રસાદને સોંપવામાં આવી તે દિવસ હતો ૨૬ નવેમ્બર ૧૯૪૯ એટલે આ દિવસને સંવિધાન દિવસ તરીકે કે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ તૈયાર થયાં બાદ તેનો અમલ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસથી દેશભરમાં લાગુ કરાયો. અને આ રીતે ૨૬મી જાન્યુઆરીના દિવસને મહત્વ આપવા માટે તે દિવસથી ભારતમાં ૨૬મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દેશનું બંધારણ દુનિયાના તમામ દેશના બંધારણ કરતા સૌથી લાંબુ છે. જેમાં ૩૯૫ અનુચ્છેદ છે અને ૧,૧૭,૦૦૦ શબ્દો સામેલ છે. બંધારણના નિર્માતાઓએ જુદા જુદા દેશના બંધારણોનો અભ્યાસ કર્યા પછી આપણા દેશનું બંધારણ બનાવ્યું છે. પરંતુ મુખ્યત્વે ઇગ્લેન્ડ, અમેરિકા, ઇટલી અને ઓસ્ટ્રેલિયાના બંધારણનો અભ્યાસ કરીને આપણા દેશને અનુકૂળ બંધારણ બનાવવામાં આવ્યું છે. આપણું બંધારણ લચીલું બનાવવામાં આવ્યું છે એટલે કે સમય અને સંજોગો અનુસાર તેમાં ફેરફાર કરી શકાય છે. જેને કારણે અત્યાર સુધી આપણા બંધારણમાં ૧૨૪ કરતાં પણ વધારે સુધારા કરવામાં આવ્યાં છે. આપણા દેશનું બંધારણ એટલે પથ્થરની લકીર એવું મનાતું નથી. સમય, સંજોગ પ્રમાણે જૂની વાતોને બદલવી પડે તો આપણા બંધારણ ઘડવૈયાઓએ તેમાં સુધારા કરવાની છૂટ આપી છે. પરંતુ આ સુધારા કરવા માટે લોકસભા અને રાજ્યસભામાં બે તૃતિયાંશ બહુમતીથી ખરડો પસાર થાય તે જરૂરી છે. આ ઉપરાંત જો કોઇ ખાસ સુધારો કરવો હોય તો ઓછામાં ઓછા દેશના ૫૦ ટકા જેટલા રાજ્યોની વિધાનસભામાંથી પણ આ બંધારણના સુધારાને મંજૂરી મેળવવી જરૂરી છે. એક વાર જ્યારે આ પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ તેના પર મહોર લગાવે ત્યારે બંધારણનો સુધારો શક્ય બને છે.

આપણા બંધારણમાં સુધારા માટે આટલી લાંબી પ્રક્રિયા હોવા છતાં પણ આપણું બંધારણ દુનિયામાં સૌથી વધારે વાર સુધારા કરાયેલું બંધારણ બન્યું છે. લગભગ દરેક વર્ષે બંધારણમાં સરેરાશ બે સુધારાઓ કરવામાં આવ્યાં છે.

ભારતના બંધારણમાં કરવામાં આવેલા સુધારાઓમાં સૌથી વિવાદાસ્પદ સુધારો ૪૨મો સુધારો બન્યો છે જે ફોર્ટી સેકન્ડ અમેન્ડમેન્ટ એક્ટ ૧૯૭૬ તરીકે ઓળખાય છે. આ સુધારો દેશમાં કટોકટીનો અમલ હતો (૨૫ જુન ૧૯૭૫- ૨૧ માર્ચ ૧૯૭૭) ત્યારે ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન પદ હેઠળ કોંગ્રેસની સરકારે કર્યો હતો. આ સુધારાને ભારતના ઇતિહાસમાં સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારા તરીકે ઓળખવામાં આવે છે. આ સુધારા દ્વારા દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના પાવરમાં ઘટાડો કરવાની વાત હતી. અને આ વિવાદાસ્પદ સુધારો કોન્સ્ટિટયુશન ઓફ ઇન્દિરા તરીકે પણ જાણીતો બન્યો હતો. આ સુધારા દરમિયાન દેશના બંધારણના આમુખમાં (પ્રસ્તાવના) બે નવા શબ્દો જોડવામાં આવ્યાં. મૂળ બંધારણની પ્રસ્તાવનામાં ભારત માટે sovereign democratic republic (સમપ્રભુતા સંપન્ન લોકશાહી રાષ્ટ્ર) શબ્દનો ઉલ્લેખ હતો. તેને બદલે ૪૨મા સુધારા દ્વારા sovereign ની સાથે Socialist(સમાજવાદી)  અને Secular(ધર્મ નિરપેક્ષ) ઉમેરવામાં આવ્યાં.

કટોકટી બાદ ૧૯૭૭માં કોંગ્રેસની સરકારને હરાવીને જનતાદળની સરકાર બની આ સરકારે ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા કરાયેલા બંધારણના ફેરફારને બદલી નાખ્યા. પરંતુ જનતાદળની સરકારમાં પણ સમાજવાદી નેતાઓ હતા અને તેમણે બંધારણની પ્રસ્તાવનામાં કરાયેલા સુધારાને બદલ્યો નહીં. હજુ આજે પણ બંધારણમાં ઉમેરવામાં આવેલા સેક્યુલર અને સોશિયાલિસ્ટ શબ્દ માટે દેશભરના વિદ્વાનો વચ્ચે ડીબેટ ચાલે છે અને બંધારણના આ ફેરફાર અંગે પોતાના મંતવ્યો જણાવતા રહે છે.

દેશના પવિત્ર બંધારણ સાથે છેડછાડની નોબત ત્યારે આવે છે કે જ્યારે દેશમાં બે તૃતિંયાંશ  બહુમતી સાથે કોઇ સરકાર બેસતી હોય છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!