સ્વરક્ષણ માટે બંદૂક નું લાયસન્સ આ રીતે અને આટલા ખર્ચ માં મળે છે, જાણો વિગતવાર માહિતી…..

Hits: 6736

જો પાક રક્ષણ માટે હથિયાર જોઇતું હોય અથવા તો તમે કોઈ જોખમી કામ કરતા હોય, જેમાં તમારા પર હુમલો થવાની શક્યતા રહેલી હોય અથવા તો તમારી જાન ને કોઈ નુકશાન કરવાની કોશિષ કરી શકે તેમ હોય, અથવા તમે કોઈ એવું કામ કરો છો કે તમારા પર જાનથી મારી નાખવા ની કોઈશ થઇ હોય તો તમે ખાનગી હથિયાર રાખી શકો છો. અને તે માટે તમારે તમારા વિસ્તાર પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશનર અથવા તો સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ની મંજૂરી લેવી પડે છે.

જો તમને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે તો તમે ગન, પિસ્તોલ કે રાઇફલ જેવું હથિયાર ખરીદી શકો છો અને પોતાના રક્ષણ માટે વાપરી પણ શકો છો. આ માટે તમારે એક અરજી કરવી પડશે. અને 75 દિવસ રાહ જોવી પડશે. તેમજ અન્ય પ્રક્રિયાઓ કરવી પડશે. અહીં આપણે તેની વિગતે ચર્ચા કરીશું.



સ્વરક્ષણ માટે કે પાકરક્ષણ માટે હથિયાર પરવાનાની જરૂરિયાત છે તેવા નાગરિકોએ મુદ્દા નં. પર(બાવન)ના પરિશિષ્ટ-૧/પરમાં શસ્ત્ર લાઇસન્‍સ માટેની અરજીનો નમૂનો ‘ક’ , ભાગ-‘ખ’ , ભાગ-‘ગ’ , ભાગ-‘ ઘ’માં જણાવેલ વિગતોવાળી અરજી તૈયાર કરી હથિયાર પરવાનો મેળવવા માટે જિલ્‍લામાં જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીને આવી અરજીઓ નીચે જણાવેલ પ્રમાણપત્રો અને માહિતીઓ સાથે સામેલ રાખી મોકલી આપવાની રહેશે. જાતરક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા બાબતની જોગવાઈ શસ્ત્ર અધિનિયમ-૧૯પ૯ની કલમ-૩, ૧૩, ૧૪માં જણાવેલ છે. જેથી આવી અરજીઓ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીને સંબોધીને મોકલી આપવાની હોય છે અને આવી અરજીઓના આખરી નિકાલના સત્તાઅધિકારી પણ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી હોય છે.

જાત રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા બાબત ની અરજી:

અરજી અહીંથી ક્લિક કરી ડાઉનલોડ કરો

અરજી આપ્યા બાદ આ રીતે થશે આપની અરજી પર કાર્યવાહી:



અરજી ની સમય મર્યાદા અને ફી:

નિકાલની સમય મર્યાદા: કુલ 75 દિવસ. અને કુલ ફી રુ. 1000/-(જે રકમ બેન્ક/ચલણ માં ભરવાની રહે છે.)

આવી અરજીઓની નિકાલ મર્યાદા 75 દિવસની રાખવામાં આવેલ છે. જેમાં પોલીસ અધીક્ષકશ્રીને દિન 15, નાયબ પોલીસ અધીક્ષકશ્રી દિન 14, એક્ઝિક્યુટિવ મેજિસ્‍ટ્રેટશ્રી દિન 10 અને સંબંધિત પોલીસ સ્ટેશન દિન 15 અને જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રીએ દિન 21 માં આવી અરજીઓનો નિકાલ કરવાનો રહે છે. અરજદારશ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે ભરવાની રહેશે.



અરજી માટે ના જરૂરી પુરાવાઓ:

(1) ઓળખ ના પુરાવા (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાંઇવિંગ લાયસન્સ)
(2) ઉંમરનો પુરાવો (સ્કુલ લીવીંગ અથવા જન્મનો દાખલો અથવા સીવીલ સર્જનનો દાખલો)
(3) રહેઠાણનો પુરાવો (નગરપાલિકા/ગ્રામ પંચાયત ટેક્ષ બીલ, લાઈટબીલ, ટેલીફોન બીલ, મતદાર ઓળખ કાર્ડની નકલ ડ્રાઈવીંગ લાયસન્સ પૈકી ગમે તે એક)
(4) શારીરિક જોખમ હોવા અંગેનો આધાર
(5) નાણાંકીય જોખમ હોવા અંગેનો આધાર
(6) રેશનકાર્ડની પ્રમાણિત નકલ.
(7) 3 વર્ષ ના ઇન્કમટેક્ષ રિટર્ન
(8) ગન રાઇફલ પિસ્તોલ ચલાવતા આવડતું હોવા નો ટ્રેનિંગ નો સર્ટિફિકેટ
(9) રૂપિયા 1000/- ની ફી ભર્યા નું ચલણ ની ઓરીજીનલ નકલ
(10) અરજદાર સરકારી નોકરીમાં હોય તો ખાતાના વડાનું ‘ના વાંધા પ્રમાણપત્ર’
(11) મોટા ખેડૂત ખાતેદાર હોય/વેપારધંધો કરતા હોય તો તેના પુરાવા (૮-અની નકલ) દુકાન/પેઢીની નોંધણીની વિગત, GST સર્ટિફિકેટ, સેલ્સ ટેક્સ સર્ટિફિકેટ, ધંધા ના પાનકાર્ડ, આવકવેરા રિટર્ન, વગેરે જે કોઈ પણ પુરાવા હોય એ.
(12) શારીરિક/નાણાકીય જોખમ હોવા અંગેનો આધાર (છેલ્લાં બે વર્ષનાં બેન્ક સ્ટેટમેન્ટ્સની નકલ, પોલીસ ફરિયાદ કરેલ હોય તો તેની નકલ)

અરજી સાથે જોડવાના પુરાવા ઓની પ્રમાણિત નકલ જોડવી તેમજ આ તમામ પુરાવાઓ અરજી સાથે ત્રણ સેટ માં જોડવાના રહે છે.

લાઇસન્સ ક્યાં પ્રકાર ની ગન રાખવા માટે નું મળે ?

(1) રિવોલ્વર /પિસ્તોલ
(2) પોઇન્ટ રર રાઇફલ/બ્રિજલોડ ગન
(3) રિપીટિંગ રાઇફલ
(4) એમ. એલ. ગન



લાઇસન્સ આપવા માટે કઈ બાબતો ધ્યાન માં રાખવામાં આવે છે ? અને કઈ પ્રક્રિયા કરવા માં આવે છે ?

પોલીસ વિભાગ તપાસ અને પોલીસ અભિપ્રાય :

સ્વરક્ષણ હથિયાર પરવાનાની માગણી અંગે ઇન્ક્વાયરી ફોર્મમાં જણાવેલ વિગતે સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીએ ફોર્મમાં જણાવેલ વિગતે અને નીચેના મુદ્દાઓ ઉપર ખાતરી તપાસ કરી પોલીસ અભિપ્રાય આપવાનો રહેશે. કલેક્ટરશ્રી તરફથી પોલીસ વિભાગમાંથી જાતરક્ષણ માટેનો હથિયાર પરવાનો મેળવવા બાબતની અરજી તપાસ માટે મોકલાવવામાં આવે ત્યારે પોલીસ વિભાગ દ્વારા નીચે દર્શાવેલ મુદ્દાઓ અંગે તપાસ કરી પોલીસ અભિપ્રાય આપવામાં આવે છે.

(1) અરજદારના ચારિત્ર બાબત તેમ જ કોઈ ગુનામાં સંડોવાયેલની અને કોઈ ગુનામાં સજા કે દંડ થયેલ નથી તે બાબતે પોલીસ સ્‍ટેશનના રેકર્ડથી ચકાસણી કરી જણાવવામાં આવે છે તથા પૂર્વ ઇતિહાસ ચકાસવામાં આવે છે.
(2) અરજદારને રૂબરૂ બોલાવી તેઓ હથિયાર ચલાવવા શારીરિક તેમ જ માનસિક રીતે સક્ષમ છે કે કેમ? તેની ચકાસણી કરી નિવેદન લેવામાં આવે છે અને જન્મ તારીખનો આધાર મેળવવામાં આવે છે.
(3) અરજદાર પાસે હથિયાર રાખવા માટે સુરક્ષિત જગ્યા છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવે છે તથા રહેઠાણ અંગે આધાર મેળવવામાં આવે છે.
(4) અરજદારને જાતરક્ષણ માટે પરવાનાની જરૂરિયાત અંગેનાં સબળ કારણોની ચકાસણી કરવામાં આવે છે. જેમાં ઇન્કમટેક્સ ભરેલ છે કે કેમ? તેની ખાતરી કરી છેલ્લાં ત્રણ કે પાંચ વર્ષનાં ઇન્કમટેક્સ રિટર્ન મેળવવામાં આવે છે તથા કોઈ મોટો ધંધો કે રોજગાર હોય તો કેટલું ટર્નઓવર થાય છે વગેરે બાબતે આધાર-પુરાવા મેળવવામાં આવે છે અને જોખમ અંગે આધાર મેળવવામાં આવે છે.
(5) હથિયાર ચલાવતા આવડે છે કે કેમ? તેની ખાતરી કરવામાં આવે છે.
(6) અરજદાર સ્વભાવે ઉગ્ર કે ઝનૂની છે તે અંગે ગામના/આજુબાજુના રહેઠાણના પ્રામાણિક ઇસમો મારફતે તપાસ કરી નિવેદન લેવામાં આવે છે.

આ અંગે ઉપરની વિગતેની ચકાસણી જે તે પોલીસ સ્‍ટેશનના થાણા ઇન્ચાર્જે કરી આ અંગેના કાગળો પોલીસ સબડિવિઝન/વિભાગીય પોલીસ અધિકારી મારફતે ચકાસણી થઈ તેઓના અભિપ્રાય સાથે પોલીસ અધીક્ષકની કચેરીએ આવે છે. જ્યાં તમામ દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરી જરૂર જણાયે અરજદારને રૂબરૂ સાંભળી જે તે અભિપ્રાય આપી કાગળો કલેક્ટરશ્રીને મોકલી આપવામાં આવે છે.

ઉપરોક્ત વિગતોની ચકાસણી કરી થાણા અધિકારીએ દિન 15 માં આવી અરજીઓનો નિકાલ કરી સંબંધિત વિભાગીય પોલીસ અધિકારીશ્રીને આગળની કાર્યવાહી માટે મોકલી આપવાની રહેશે અને વિભાગીય પોલીસ અધિકારીશ્રીએ ઇન્ક્વાયરી ફોર્મમાં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવી પોલીસ અધીક્ષકશ્રીના અભિપ્રાય માટે મોકલી આપવાની રહેશે અને જિલ્‍લા પોલીસ અધીક્ષકશ્રીએ ઇન્ક્વાયરી ફોર્મમાં પોતાનો જરૂરી અભિપ્રાય આપી આખરી નિકાલ માટે આવી અરજી મે. જિલ્‍લા કલેક્ટરશ્રીને મોકલી આપવામાં આવે છે.



પરવાનો આપવાની સત્તા કોને છે ?

(1) પાક અથવા ઢોરના સંરક્ષણ માટે – સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી
(2) માણસો અથવા ઢોરને હાનિ કરે તેવાં પશુઓના નાશ માટે ખેતી રક્ષણ – સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી
(3) દેખાવ લક્ષ્ય વીંધવાની પ્રેક્ટિસ – જિલ્લા મેજિસ્ટ્રેટ
(4) જાત રક્ષણ રાજ્ય બહારના સમગ્ર ભારત માટે – રાજય સરકારશ્રી
(5) સ્વ-રક્ષણ માટે – જિલ્લા પૂરતું- મહાનગર પાલિકા વિસ્તાર માં – પોલીસ કમિશ્નરશ્રી
(6) સ્વ-રક્ષણ માટે – જિલ્લા પૂરતું- મહાનગર પાલિકા વિસ્તાર સિવાય – જિલ્લા મેજિસ્ટ્રેટ
(7) જાત રક્ષણ રાજ્ય માટે – રાજય સરકારશ્રી

લાઇસન્‍સ રિન્યુ કરવા અંગે:

લાઇસન્‍સની મુદત પૂરી થાય તે પહેલાં નીચે પ્રમાણેની રિન્યુ ફી ભર્યાના ચલન તથા અસલ લાઇસન્‍સ સાથે અરજી કરવાની હોય છે. લાઇસન્‍સની મુદત પૂરી થાય તે પહેલાં અરજી કરે તો ફોર્મ 3(ક) ભરવા માં આવે છે. અને લાયસન્સ મેળવતી વખતે ભરેલી ફી જેટલી જ ફી ભરવી પડે છે. જો મુદત પૂરી થયા બાદ અરજી કરે તો લાઇસન્‍સની ફી જેટલી રકમ તેમજ લેઇટ ફી રૂ. 100/- વધારાના ભરવા પડે છે.

લાઇસન્‍સની નકલ મેળવવા અંગે ( ડુપ્લિકેટ લાઇસન્‍સ ):

કોઈ પણ લાઇસન્‍સ ફી સિવાય લાઇસન્‍સ આપેલ હોય તો ડુપ્લિકેટ લાઇસન્‍સની ફી રૂ. 50/- અને ફી લઈને આપેલ હોય તેવાં ડુપ્લિકેટ લાઇસન્‍સની ફી રૂ. 100/- ભરવાના રહે છે. તે માટે એક સામાન્ય અરજી જ કરવાની રહે છે. અને ડુપ્લીકેટ લાયસન્સ દિન 15 માં આપવામાં આવે છે.



અપીલ:

હથિયાર પરવાનો નામંજૂર/રદ કરવાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીના હુકમ સામે અપીલ જિલ્‍લા મેજિસ્ટ્રેટને થઈ શકશે. જિલ્‍લા મેજિસ્ટ્રેટશ્રીના હથિયાર પરવાનો નામંજૂર/રદ કરવાના હુકમ સામે અપીલ નાયબ સચિવશ્રી ગૃહ વિભાગ ગાંધીનગરને થઈ શકશે. જિલ્‍લા મેજિસ્ટ્રેટશ્રીના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધની વિવાદ અરજીના હુકમ સામે અપીલ થઈ શકશે નહીં.

અપીલ ફી: (૧) લાઇસન્‍સ ફી રૂ. 50/- કે તેથી વધુ હોય તો રૂ. 100/- (ર) બીજા કિસ્સામાં રૂ. 50/-

અપીલ સમય: ૩૦ દિવસ

નામદાર હાઇકોર્ટ માં અપીલ:

જો જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશ્નર, કે અન્ય કોઈ સત્તા લાઇસન્સ પરવાનાની અરજી નામંજુર કરે તો તેના હુકમ સામે અપીલ નાયબ સચિવશ્રી ગૃહ વિભાગ ગાંધીનગરને અપીલ થઇ શકે છે. પરંતુ જો નાયબ સચિવશ્રી ગૃહ વિભાગ ગાંધીનગરના ઓ પણ અરજી નામંજરુ કરે અને તમારી પાસે ચોક્કસ કારણ હોય તો તમે નામદાર હાઇકોર્ટ માં પણ નાયબ સચિવશ્રી ગૃહ વિભાગ સામે પિટિશન ફાઈલ કરી શકો છો. યોગ્ય ચકાસણી બાદ નામદાર હાઇકોર્ટ પરવાનો આપવા હુકમ કરી શકે છે.

બંધુક નું લાયસન્સ લેવા માટે તથા વધુ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો


Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!