ભારતમાં પક્ષપલટો : કાયદો અને ઇતિહાસ

Hits: 67

ભારતમાં બહુપક્ષીય લોકશાહી અસ્તિત્ત્વમાં છે. તેમાં રાજકીય પક્ષની નીતિ કે વિચારધારા સાથે અસંમતિથી કોઈ પક્ષ છોડે તે આવકાર્ય છે. પરંતુ મોટા ભાગના પક્ષપલટા અંગત લાભ કે પદ પ્રાપ્તિ માટે થાય છે. પક્ષાંતરનું દૂષણ આઝાદી પહેલાંની પ્રાંતીય સરકારોમાં કે આઝાદી પછીના તુરતના વરસોમાં, ૧૯૫૨માં મદ્રાસમાં પણ જોવા મળ્યું હતું. જોકે પક્ષપલટા છૂટક છૂટક અને સિદ્ધાંંત ખાતર થયેલા હતા. પરંતુ ૧૯૬૭ પછી પક્ષપલટાઓએ મોટો ઉપાડો લીધો અને તે રોજિંદી બીના બની.

૧૯૫૩-૮૩ના ત્રણ દાયકામાં આશરે ૫,૦૦૦ પક્ષપલટા થયા હતા. તેમાં ૩૦૦ કિસ્સા સંસદમાં અને ૪,૭૦૦ રાજ્યોની ધારાસભાઓના હતા. બંધારણવિદ નાની પાલખીવાલાના મતે, લોકસભાના એક હજારમાંથી નવસો પક્ષ પલટા સતા માટેના હતા. ચુંટણી કમિશનરના એક અહેવાલ મુજબ ૧૯૬૭થી ૧૯૭૩ સુધીમાં ૨૭૦૦ જેટલા પક્ષપલટા થયેલા. તેમાં ૧૫ને મુખ્યપ્રધાન પદ અને ૨૧૨ને પ્રધાન પદ મળેલાં. ગાળામાં ૪૫ રાજ્ય સરકારો ઉથલી પડી હતી.

હરિયાણા પક્ષપલટાનું પિયર ગણાય છે. ૧૯૬૬ની ૧લી નવેમ્બરે રચાયેલા રાજ્યમાં ૧૯૬૭માં પહેલી ચુંટણી થઈ. કોંગ્રેસના ભગવતદયાળ શર્મા મુખ્યપ્રધાન બન્યા. પણ રાવ વિરેન્દ્રસિંઘે પક્ષ પલટાથી સાત દિવસમાં સરકાર ઉથલાવી હતી. પક્ષપલટુઓ માટે વપરાતો ‘આયારામ-ગયારામ’ શબ્દ ભૂમિની દેન છે.

હરિયાણાના ગયારામ નામક ધારાસભ્યે ૧૫ દિવસમાં વખત પાટલી બદલી હતી. ૧૯૭૬-૭૭ના સમયગાળામાં ૧૦ પૈકી સરકારો પક્ષપલટાથી રચાઈ હતી. ૧૯૭૭-૭૮ના ૧૩ માસમાં ૧૧ વખત પ્રધાનોના સોગંદવિધિ પક્ષપલટાના લીધે યોજાયા હતા. સમયે ધારાસભ્ય હીરાનંદ આર્યે નવ માસમાં પાંચ પક્ષાંતર કર્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે ૧૯૮૦માં જનતા પક્ષના મુખ્યપ્રધાન ભજનલાલે એમના આખા વિધાનસભા પક્ષ સાથે સાગમટે કોંગ્રેસમાં પક્ષપલટો કર્યો હતો.

હજુરિયા-ખજૂરિયાખ્યાત ગુજરાત પક્ષપલટામાં લગીરે પાછળ નથી.૧૯૬૦માં રાજ્યની રચના થઈ અને ડો.જીવરાજ મહેતાની કોંગ્રેસી સરકાર અસ્તિત્ત્વમાં આવી. તેના ૧૬ ધારાસભ્યોએ પક્ષાંતર કર્યું હતું! ૧૯૬૭ થી ૧૯૭૧માં ૧૬૮ પૈકી ૧૦૧ ધારાસભ્યોએ પક્ષીય વફાદારી બદલી હતી. ઘનશ્યામ ઓઝા, બાબુભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, માધવસિહ સોલંકી અને કેશુભાઈ પટેલે પક્ષપલટાઓનો સામનો કરવો પડ્યો હતો અને સત્તા ગુમાવી હતી. મુલ્યનિષ્ઠ, સૈદ્ધાંતિક કે વિધાયક પક્ષપલટાનું એકેય ઉદાહરણ ગુજરાતમાં જોવા મળે તે ગાંધી-સરદારની ભૂમિ માટે લ્યાનતરૂપ છે.

જેમ માહિતી અધિકાર કાયદાની બાબતમાં તેમ પક્ષપલટાવિરોધી કાયદામાં પણ કશ્મીર અગ્રેસર છે.(છે ને ૩૭૦મી કલમની કમાલ) ૧૯૮૫માં ભારતની સંસદે પક્ષપલટાવિરોધી ખરડો પસાર કર્યો હતો, પણ કશ્મીરમાં આવો કાયદો ૧૯૭૯થી અમલમાં છે. પક્ષપલટાની રાજરમતને ડામવાના પ્રયાસો ચોથી લોકસભાથી શરૂ થઈ ગયા હતા. પાંચમી લોકસભામાં(૧૯૭૩) અંગેનો ૩૨મો બંધારણ સુધારા ખરડો રજૂ થયો હતો. તે પ્રવર સમિતિને સોંપાયો તે દરમિયાન લોકસભાનું વિસર્જન થતાં ખરડો પણ વિસર્જિત થયો. ૧૯૭૮માં જનતા પક્ષની સરકારે દિશામાં પ્રયાસો આદર્યા હતા, પણ મધુ લિમયે અને અન્યના વિરોધને કારણે પક્ષાંતરનિષેધનો કાયદો થઈ શક્યો.રાજીવ ગાંધીએ બાવનમા બંધારણ સુધારા દ્વારા પક્ષ પલટા વિરોધી કાયદો ઘડ્યો અને તે માટે તમામ રાજકીય પક્ષોનું સમર્થન મેળવ્યું હતું.

૧૯૮૫ના પક્ષપલટાવિરોધી કાયદાને કશ્મીરી ઢોળ ચડેલો છે અને તે કેટલીક પાયાની ખામીઓ ધરાવે છે. કાયદો વ્યક્તિગત પક્ષપલટાને તો રોકે છે, પણ સામુહિક પક્ષપલટાને માન્ય રાખે છે. બાવનમા બંધારણ સુધારા ખરડામાં એક તૃતિયાંશ સભ્યો પક્ષ બદલે તો તેને પક્ષ પલટો નહીં પણ પક્ષવિભાજન ગણી સભ્યપદ યથાવત રાખવાની જોગવાઈ હતી. અનુભવે તેમાં સુધારા થતા રહ્યા છે અને છેલ્લા સુધારા મુજબ હવે બે તૃતિયાંશસભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન માનવામાં આવે છે. તેમ છતાં છૂટક અને જથ્થાબંધ પક્ષપલટા ચાલુ છે. તેનું કારણ કોઈ સભ્યે પક્ષ પલટો કર્યો છે કે નહીં અને તેનું સભ્ય પદ રદ કરવું કે નહીં તે નક્કી કરવાની સત્તા કાયદા દ્વારા સંસદ અને રાજ્યોની ધારાસભાઓના અધ્યક્ષ એટલે કે સ્પીકરને આપવામાં આવી છે.

વિધાનગૃહોના અધ્યક્ષો રાજકીય પક્ષના ચૂંટાયેલા સભ્યો હોય છે અને સ્પીકર બનતાં તેમની પક્ષીય વફાદારી બદલાઈ જતી નથી કે તેઓ સાવ તટસ્થ બની જતા નથી. ગણેશ વાસુદેવ માવળંકર અને હુકમસિંહ જેવા લોકસભાના અધ્યક્ષો સામે પણ અવિશ્વાસની દરખાસ્તો આવેલી છે, ત્યારે પક્ષપલટા અંગેના અધ્યક્ષના નિર્ણયો તટસ્થ રહેતા નથી. વળી બાબતના નિર્ણયો કરવાની સમય મર્યાદા નિર્ધારિત હોઈ અધ્યક્ષો તેમની મરજીએ અને તેમના પક્ષની સગવડે નિર્ણયો લે તેમ પણ બનતું હોય છે. એટલે નિર્ણયની સત્તા ચુંટણી પંચને આપવી જોઈએ.

સત્તા પરનો દરેક રાજકીય પક્ષ પોતાને માફક આવે તેવા સુધારા કરે છે. મતદાનની નિશાનીરૂપ અવિલોપ્ય શાહી મતદારની આંગળી પરથી ભૂંસાય તે પહેલાં તેણે ચૂંટેલો પ્રતિનિધિ પક્ષ બદલી નાંખે તેવું ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પછી બન્યું છે. અને મતદાર પાસે લાચાર બની મોં વકાસી બેસી રહ્યા સિવાય કોઈ ઉપાય નથી. એટલે રાઈટ ટુ રિકોલ કહેતાં લોકપ્રતિનિધિને પાછો બોલાવવાની સત્તા સહિતના ચુંટણી સુધારા રાજસત્તા પર લોકસતાનો અંકુશ સ્થાપી શકશે.

પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં પક્ષપલટાનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. આયારામ- ગયારામથી માંડીને લિયારામ-દિયારામ સુધી પહોંચી ચૂકેલા પક્ષાંતરના દૂષણને ડામતો બાવનમો બંધારણ સુધારા ખરડો આઠમી લોકસભાએ અભૂતપૂર્વ એકમતીથી બહાલ રાખ્યો હતો.

રાજીવ ગાંધીના વડાપ્રધાનપદ હેઠળની સરકારે બંધારણના અનુચ્છેદ ૧૦૧, ૧૦૨, ૧૯૦ અને ૧૯૧માં ફેરફાર સાથેના પરિશિષ્ટ-૧૦ને સામેલ કરતો પક્ષપલટાવિરોધી ખરડો ૩૦મી જાન્યુઆરી, ૧૯૮૫ના રોજ એકપણ વિરોધી મત સિવાય ૪૧૮ મતે લોકસભામાં અને વળતા દિવસે રાજ્યસભામાં પસાર કર્યો હતો. કાયદો દેશભરમાં તમામ સ્તરે લાગુ પડ્યો હતો.

દાનતનો અભાવ, મુલ્યનિષ્ઠ, સૈદ્ધાંતિક કે વિધાયક પક્ષપલટાનું એકેય ઉદાહરણ ગુજરાતમાં જોવા મળે તે લાંછનરૂપ છે

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!