ભારત નું બંધારણ: ભાગ-2: પૃષ્ઠભૂમિ

Hits: 350

ભરત ના બંધારણ પહેલા પણ ભારત માં કાયદાઓ લાગુ પડતા હતા અને આજે પણ આ કાયદાઓ પૈકી અમુક કાયદાઓ 1950 પહેલાના છે. જયારે ભારત નું બંધારણ અસ્તિત્વમાં ન હતું. ભારત નું બંધારણ બનાવતી વખતે આ જુના કાયદાઓ ને બંધારણ હેઠળ સ્વીકારવામાં આવ્યા હતા. જેથી આ કાયદાઓ જુના હોવા છતાંય બંધારણ હેઠળ ના કાયદાઓ જ ગણાય છે અને પ્રવર્તમાન ભારત માં આ કાયદાઓ જ લાગુ પડે છે.

ભારત ના કાયદાઓ અને બંધારણ ની પૃષ્ઠભૂમિ મજબૂત છે. સને 1773 માં ભારત દેશ માં પ્રથમ વખત કાયદો લાગુ કરવા માં આવ્યો હતો અને આ કાયદો બ્રિટન ની સરકારે પસાર કરેલ હતો.

ઈ.સ. 1600 માં એલિઝાબેથ પ્રથમના ચાર્ટર એક્ટ દ્વારા ભારતમાં અંગ્રેજોની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ને વ્યાપાર કરવાનો પરવાનો પ્રાપ્ત થયો. 1765 માં કંપનીને બંગાળ, બિહાર અને ઉડિસામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ અને આ સાથે જ અંગ્રેજોના અપ્રત્યક્ષ શાસનનો પ્રારંભ થયો. વિભિન્ન અધિનિયમોના ક્રમિક સુધારા દ્વારા બંધારણ નિર્માણની પ્રક્રિયા શરુ થવા પામી. 1946 માં બંધારણ સભાની રચનાથી તેની ઠોસ શરુઆત થઈ. 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું.

રેગ્યુલેટિંગ એક્ટ, 1773

ભારતમાં અંગ્રેજો દ્વારા પસાર કરવામાં આવેલ આ પહેલો એક્ટ હતો. જે અંતર્ગત ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સંસદીય નિયંત્રણની શરુઆત થઈ. આ ધારો ભારતમાં અંગ્રેજોના શાસનને દૃઢ કરવામાં અને વહિવટીય કેન્દ્રિકરણની દિશામાં પહેલું કદમ હતો. આ કાયદા દ્વારા 1774 માં બંગાળમાં એક સર્વોચ્ચ ન્યાયલયની સ્થાપના કરવામાં આવી હતી. તથા બંગાળના ગવર્નરને અંગ્રેજી આધિપત્ય ધરાવતા તમામ ક્ષેત્રોના ગવર્નર નિયુક્ત કરાયા હતા.


Lord Pitt

પિટનો ઈન્ડિયા ધારો, 1784

આ ધારા અન્વયે કંપનીને માત્ર વ્યાપાર અને વાણિજ્યની જવાબદારી સોંપવામાં આવી તથા રાજકીય બાબતો બ્રિટન સરકાર હસ્તગત લેવામાં આવી.

ચાર્ટર અધિનિયમ, 1793

અધિનિયમ 1793 દ્વારા 20 વર્ષની અવધિ માટે કંપનીનો વ્યાપારિક પરવાનો તાજો કરવામાં આવ્યો.

ચાર્ટર અધિનિયમ, 1813

આ અધિનિયમ અન્વયે કંપનીનો વ્યાપારિક પરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. તથા તમામ બ્રિટીશ નાગરિકો માટે ભારતીય બજારને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. તેમજ ધર્મ પ્રચારકોને ભારતમાં પ્રચારની છૂટ આપવામાં આવી હતી. મદ્રાસ, મુંબઈ અને કલકત્તાની કાઉન્સિલોની સત્તા વધારવામાં આવી.

ચાર્ટર અધિનિયમ, 1833

બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા જે અંતર્ગત લૉર્ડ વિલિયમ બેન્ટીક ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ નિયુક્ત થયા હતા. આ અધિનિયમ દ્વારા ઈસ્ટ ઈન્ડિયા કંપનીની તમામ વ્યાપારિક ગતિવિધિઓને બંધ કરી દેવામાં આવી હતી. ભારતમાં દાસપ્રથાને ગેરકાનૂની જાહેર કરાઈ.

ચાર્ટર અધિનિયમ, 1853

ચાર્ટર અધિનિયમો પૈકીના અંતિમ અધિનિયમ અંતર્ગત ભારતમાં સિવિલ સેવાનો પ્રારંભ થયો. વિધાન પરિષદની રચના કરવામાં આવી. ગવર્નર જનરલની પરિષદના વૈધાનિક અને કાર્યકારી કાર્યોને પૃથક કરવામાં આવ્યા હતા.ભારત શાસન અધિનિયમ, 1858

1857 ના વિપ્લવના પ્રત્યાઘાતરૂપે બ્રિટિશ સંસદ દ્વારા ‘ધ એક્ટ ફોર ધ ગુડ ગવર્મેન્ટ ઓફ્ ઈન્ડિયા’ ધારો 1858 પસાર કરવામાં આવ્યો. જે અંતર્ગત બૉર્ડ ઓફ કંન્ટ્રોલ અને બૉર્ડ ઓફ્ ડાયરેક્ટરને સમાપ્ત કરી સમગ્ર ભારતને બ્રિટીશ સંસદના સીધા શાસન હેઠળ મુકવામાં આવ્યું. તથા લોર્ડ કેનિંગ ભારતના પ્રથમ વાઈસરોય બન્યા.

ભારતીય પરિષદ અધિનિયમ, 1861

આ કાયદા અન્વયે નીતિવિષયક સુધારા અમલમાં આવ્યા. આ એક્ટ ભારતના બંધારણમાં એક સીમાચિહ્ન છે. કાઉન્સિલમાં હિંદના લોકોને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવાની છૂટ મળી. ગવર્નર જનરલની વૈધાનિક સત્તાઓનું વિકેન્દ્રીકરણ થયું. કેન્દ્ર તથા અન્ય પ્રાન્તોમાં વિધાનપરિષદોની સ્થાપના કરવામાં આવી.

ભારતીય પરિષદ અધિનિયમ, 1892

કેન્દ્રીય તથા પ્રાંતીય પરિષદોના આકાર અને કાર્યક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો. કાઉન્સિલોને અમુક નિયમો, શરતો તથા મર્યાદામાં રહીને અંદાજપત્ર તથા વાર્ષિક નાણાકીય નિવેદન કરવાની છૂટ મળી. પરિષદના સભ્યોને પ્રશ્ન પૂછવાનો અધિકાર મળ્યો.

ભારતીય પરિષદ અધિનિયમ, 1909

આ અધિનિયમ મોર્લે-મિન્ટો સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અંતર્ગત કાઉન્સિલોનું વિસ્તરણ કરવામાં આવ્યું. ઈન્ડિયન લેજીસ્લેટીવ કાઉન્સિલની સભ્ય સંખ્યા 16 થી વધારીને 60કરવામાં આવી. આ ધારા હેઠળ સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત મુસ્લિમો માટે અલગ પ્રતિનિધિત્ત્વની જોગવાઈ કરવામાં આવી.

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1919

આ અધિનિયમ મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખાય છે. ‘જવાબદાર સરકાર અને સ્વશાસનલક્ષી સંસ્થાઓનો વિકાસ’ના પાયા પર આધારિત આ એક્ટ દ્વારા બંધારણીય પ્રથામાં અગત્યના ફેરફારો થયા. જેમાં ઈન્ડિયન લેજેસ્લેટીવ કાઉન્સિલના સ્થાને ઊપલું ગૃહ અને નીચલું ગૃહ ધરાવતું દ્વિગૃહી વિધાનમંડળ અસ્તિત્વમાં આવ્યું. આંગ્લ-ભારતીય, શિખ તથા યુરોપીય અને ઈસાઈઓને અલગ પ્રતિનિધિત્ત્વ આપવામાં આવ્યું. ક્ષેત્રીય વિષયોને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા : આરક્ષિત અને હસ્તાંતરિત. આરક્ષિત વિષયો ગવર્નર પાસે રહેતા જ્યારે હસ્તાંતરીત વિષયો ભારતીય મંત્રીઓ પાસે રહેતા.

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935

આ એક્ટને ભારતીય સંવૈધાનિક વિકાસના અંતિમ ચરણ તરીકે જોવામાં આવે છે. જેમાં બ્રિટીશ હકૂમત હેઠળના પ્રદેશો તથા દેશી રજવાડાંના બનેલા ભારતીય મહાસંઘ અથવા અખિલ ભારતની સંકલ્પના રજૂ કરવામાં આવી. આ અધિનિયમ અંતર્ગત પ્રાંતોમાં દ્વિશાસનનો અંત કરવામાં આવ્યો તથા પ્રાંતીય સ્વાયતતાની શરૂઆત કરવામાં આવી. કેન્દ્રીય અદાલતની સ્થાપનાની કરવામાં આવી તથા આ અદાલતના નિર્ણય વિરુદ્ધ અપીલ લંડનની પ્રીવી કાઉન્સિલ કરવાની જોગવાઈ કરવામાં આવી.રાષ્ટ્રીય આંદોલન અને બંધારણ વિકાસ

1935 ના અધિનિયમ બાદ રાષ્ટ્રીય આંદોલનોની સાથે જ બંધારણ વિકાસની પ્રક્રિયા અપ્રત્યક્ષરૂપે આગળ વધતી રહી. 1923 માં દિલ્હી ખાતે આયોજીત સર્વદલીય સંમેલનમાં ‘કોમનવેલ્થ ઓફ્ ઈન્ડિયા બીલ’ દ્વારા બંધારણના આવશ્યક તત્ત્વોની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી. આ પહેલો સંગઠિત પ્રયાસ હતો. 1934 માં કોંગ્રેસે શ્વેતપત્ર દ્વારા વયસ્ક મતાધિકાર અને બંધારણ સભાની રચનાની માંગ કરી.1940 માં ઑગષ્ટ પ્રસ્તાવ દ્વારા તત્કાલીન વાઈસરોય લૉર્ડ લિનલિથગોએ વિશ્વયુદ્ધ બાદ બંધારણ સભાના નિર્માણની ખાતરી આપી. 1942 માં કેબીનેટ મંત્રી સર સ્ટેફોર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં કિપ્સ મિશન ભારત મોકલવામાં આવ્યું પરંતુ બધા જ રાજકીય પક્ષોએ તેની દરખાસ્તોને જુદાં જુદાં કારણોસર ફગાવી દીધી. કોંગ્રેસને દેશના ભાગલા પડી જવાની શક્યતા જણાતા આ દરખાસ્તને ‘પાછલી તારીખનો ચેક’ કહી વખોડી કાઢી હતી.

1945 માં તત્કાલીન વાઈસરોય લૉર્ડ વેવેલ એ 25 જૂનના રોજ શિમલા ખાતેના સંમેલનમાં હિંદવાસીઓ પોતાનું બંધારણ જાતે ઘડે ત્યાં સુધી કામચલાઉ વ્યવસ્થા તરીકે હિંદુઓ અને મુસ્લિમોની સમાનતાના ધોરણે એક્ઝિક્યૂટિવ કાઉન્સિલમાં સમાવેશ કરવાની ‘વેવેલ યોજના’નો પ્રસ્તાવ રજૂ કર્યો. કોંગ્રેસની અખંડ હિંદુસ્તાનની માંગ અને મુસ્લિમ લીગની પૃથક પાકિસ્તાનને માંગણીને કારણે આ વાટાઘાટો પણા નિષ્ફળ ગઈ. વેવેલ યોજનાની નિષ્ફળતા બાદ 1946 માં ભારતના રાજનૈતિક ગતિરોધને દૂર કરવા કેબિનેટ મિશનને ભારત મોકલવામાં આવ્યું. પૈથિક લૉરેન્સ, સર સ્ટેફોર્ડ ક્રિપ્સ અને એ.વી.એલેક્ઝાંડરની સદસ્યતાવાળા આ મિશને બંધારણ સભાના ગઠનની ખાતરી આપી. બ્રિટીશ ભારત અને દેશી રાજ્યોના સંગઠનથી ભારતીય સંઘ બનાવવો. વિદેશી બાબતો, સંરક્ષણ, સંચાર જેવા વિષયો સંબંધિત સત્તા આપવી. કેન્દ્રીય કારોબારીતંત્ર અને વિધાનમંડળની રચના કરવી જેમાં બ્રિટીશ ભારત અને દેશી રજવાડાંને પ્રતિનિધીત્ત્વ આપવું.

વચગાળાની સરકારની રચના કરવી વગેરે કમિશનની મુખ્ય ભલામણો હતી. 24 ઑગષ્ટ 1946 ના રોજ વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવી. જવાહરલાલ નહેરૂના નેતૃત્ત્વમાં 11 સહયોગી સદસ્યોની સાથે 2 સપ્ટેમ્બર 1946 ના દિવસે સરકાર રચાઈ. ડિસેમ્બર 1946 માં ડૉ. રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું. મુસ્લિમ લીગ દ્વારા બંધારણ સભાની રચનાનો વિરોધ કરાયો અને અલગ પાકિસ્તાનની માંગ કરવામાં આવી.

રાજકીય ગતિરોધના કારણે સત્તાનું હસ્તાંતરણ ગુંચવાળાભર્યું બન્યું. દેશમાં પ્રવર્તી રહેલાં આંતરવિગ્રહ, અરાજકતા અને અંધાધૂધીને કારણે કોંગ્રેસ દેશના ભાગલાના વિકલ્પને અનિવાર્યપણે સ્વીકાર કરવા તૈયાર થઈ. 1947 માં તત્કાલીન વાઈસરોય માઉન્ટબેટન દ્વારા વિભાજનની રૂપરેખા ઘડવામાં આવી. માઉન્ટબેટન યોજના પર સહમતિ બાદ બ્રિટીશ સંસદ દ્વારા ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, 1947 (ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ, 1947) પારિત કરવામાં આવ્યો. 18 જુલાઈ 1947 ના રોજ આ અધિનિયમને બ્રિટનની મહારાણીએ સ્વિકૃતિ પ્રદાન કરી. જેના પરિણામરૂપે 15 ઓગષ્ટ 1947 ના દિવસે ભારત અને પાકિસ્તાન નામના બે ડોમેનિયન સ્ટેટ્સની સ્થાપના કરવાનું નક્કી કરાયું.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!