ભારત નું બંધારણ: ભાગ-5: પ્રમુખ વિશેષતાઓ

Hits: 174

ભારત ના બંધારણ ની વિશેષતા જ કૈક અલગ છે. ભારત નું બંધારણ પુરા વિશ્વ નું સૌથી મોટું અને સૌથી શ્રેષ્ઠ બંધારણ છે. આ બંધારણ ને બનાવવાનો એક માત્ર હેતુ એ છે કે દેશ માં લોકશાહી ની પરિકલ્પના સાર્થક નીવડે. અહીં આપણે બંધારણ ની વિવિધ વિશેષતાઓ વિષે ટૂંકમાં જોઈશું.

1) લેખિત અને વિસ્તૃત બંધારણ:

ભારતીય બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ છે. તે અમેરિકાના બંધારણની જેમ જ લેખિત સ્વરૂપમાં છે. જ્યારે બ્રિટન અને ઈઝરાયેલના બંધારણ અલેખિત છે. બંધારણ સ્વીકૃતિ સમયે તેમાં ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિ હતી. ૭૬મા બંધારણ સંશોધન બાદ ૪૪૫ અનુચ્છેદ, ૨૨ ભાગ અને ૧૨ અનુસૂચિઓમાં વહેંચાયેલું છે. અમેરિકાના બંધારણમાં ૭, કેનેડાના બંધારણમાં ૧૪૭, ઓસ્ટ્રેલિયાના બંધારણમાં ૧૨૮ તથા દક્ષિણ આફ્રિકાના બંધારણમાં ૨૫૩ અનુચ્છેદ છે. ભારતીય બંધારણની વિશાળતાનું મુખ્ય કારણ વિશ્વના પ્રમુખ દેશોના બંધારણના મહત્ત્વપૂર્ણ ઉપબંધોનો સમાવેશ છે.

2) ધર્મનિરપેક્ષ રાજ્ય:

ધર્મનિરપેક્ષતા એટલે પંથ, જાતિ, સંપ્રદાયના આધાર પર કોઈ પણ ધર્મના અનુયાયીથી ભેદભાવ ન રાખવો. ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ રાજ્યનું અનુમોદન કરે છે. જે અનુસાર કોઈ પણ ધર્મને રાજધર્મ માનવામાં આવશે નહિ તથા કોઇ પણ ધર્મને સંરક્ષણ કે પ્રાથમિકતા આપવામાં આવશે નહિ. આમ, ભારતમાં કોઈ માન્ય કે સ્વીકૃત ધર્મ નથી. ૧૯૭૬માં ૪૨મા બંધારણ સંશોધન દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ જોડવામાં આવ્યો છે.

3) કઠોરતા અને લચીલાપણાનો સમન્વય:

બંધારણની કઠોરતા અને લચીલાપણાનો આધાર તેમાં સંશોધન-ફેરફાર કરવાની જટિલતા પર આધારિત છે. એ દૃષ્ટિએ ભારતીય બંધારણમાં કઠોરતા અને લવચીકતાનો સમન્વય જોવા મળે છે. સંઘીય બંધારણના પ્રાવધાનોમાં સંશોધન પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. આથી તેને કઠોરતાની શ્રેણીમાં મૂકી શકાય. અનુચ્છેદ ૩૬૮ અનુસાર કેટલાક વિષયોમાં સંશોધન માટે સંસદના બન્ને સદનોમાં ઉપસ્થિત સભ્યોની બે તૃતિયાંશ બહુમતિ ઉપરાંત ઓછામાં ઓછા અડધા રાજ્યોના વિધાનમંડળોનુ સમર્થન પણ આવશ્યક છે. ઉદાહરણ સ્વરૂપે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિ વિભાજન, રાષ્ટ્રપતિની ચયન પ્રક્રિયા બંધારણની કઠોરતા દર્શાવે છે. સામા પક્ષે કેટલાક વિધેયક સાધારણ બહુમત દ્વારા પણ સંશોધિત કરી શકાય છે. જે બંધારણની લવચીક બાજુનો પરિચય કરાવે છે.

4) સમવાયતંત્રી:

બંધારણને એકતંત્રી કે સમવાયતંત્રી એમ બે ભાગમાં વિભાજીત કરી શકાય છે. અમેરિકાનું બંધારણ સમવાયતંત્રી છે જ્યારે બ્રિટનનું બંધારણા એકતંત્રી છે. એકતંત્રી બંધારણમાં બધી જ સત્તા કેન્દ્ર સરકારમાં સ્થાપિત હોય છે. જ્યારે સમવાયતંત્રમાં બંધારણ સર્વોપરી હોય છે. એક રીતે ભારતનું બંધારણ બંને પ્રકારનાં લક્ષણો ધરાવે છે માટે અર્ધસમવાયતંત્રી કહી શકાય. આકારની દૃષ્ટિએ સમવાયતંત્રી પણ યુદ્ધ કે કટોકટી દરમિયાન એકતંત્રી.

5) સંસદીય શાસનવ્યવસ્થા:

લોકશાહી શાસનવ્યવસ્થા મુખ્યત્ત્વે બે પ્રકારની જોવા મળે છે. (૧) સંસદીય લોકશાહી અને (૨) પ્રમુખકેન્દ્રી લોકશાહી. ભારતીય બંધારણે બ્રિટિશ પદ્ધતિ અનુસારની સંસદીય શાસન વ્યવસ્થા અપનાવી છે. ભારત એક પ્રજાસત્તાક રાજ્ય છે અને તેના સર્વોચ્ચ પદ પર રાષ્ટ્રપતિ છે. પરંતુ અમેરિકી પ્રમુખકેન્દ્રી પ્રણાલિથી વિપરિત ભારતીય રાષ્ટ્રપતિ ફક્ત બંધારણીય વડા છે. વાસ્તવમાં તેઓ મંત્રીમડળના સલાહ-પરામર્શ અનુસાર કાર્ય કરે છે. આ ચુંટાયેલા પ્રતિનિધિ મંત્રીઓ નીચલા ગૃહ લોકસભાને પ્રતિ ઉત્તરદાયી હોય છે.જોકે બ્રિટનની સંસદથી વિપરિત ભારતીય સંસદ સાર્વભૌમ નથી આથી સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓનું ન્યાયપાલિકા દ્વારા સમીક્ષા-પુન:નિરિક્ષણ કરી શકાય છે.

6) સંસદીય સાર્વભૌમત્ત્વ અને ન્યાયતંત્રીય સર્વોપરીતા:

બ્રિટનની સંસદીય પ્રણાલિમાં સંસદ સર્વોપરી છે જ્યારે અમેરિકી પ્રણાલિમાં ન્યાયાલય સર્વોપરી છે. બ્રિટનની સંસદ દ્વારા પારિત કાનૂનની ન્યાયિક સમીક્ષા કરી શકાતી નથી જ્યારે અમેરિકી પ્રણાલિમાં ન્યાયિક સમીક્ષા કરી શકાય છે. ભારતીય બંધારણમાં બન્નેનો કંઈક અંશે સમન્વય જોવા મળે છે. ભારતીય સંસદ તથા ન્યાયપાલિકા બંને પોતાના ક્ષેત્ર-દાયરામાં સર્વોપરી છે. ઉચ્ચતમ ન્યાયાલય સંસદમાં પસાર કરેલ કાયદાની સમીક્ષા કરી તેને ગેરબંધારણીય ઠેરવી શકે છે. એજ રીતે સંસદ પણ અમુક મર્યાદામાં બંધારણમાં સુધારાવધારા કરી શકે છે.

7) પુખ્ત મતાધિકાર:

ભારતનો પ્રત્યેક નાગરિક કે જે ૧૮ વર્ષની આયુ પ્રાપ્ત કરી ચૂક્યો છે તે કોઈ પણ ધર્મ, જાતિ, શિક્ષા, લિંગ, ક્ષેત્ર, ભાષા, વ્યવસાય વગેરેના ભેદભાવ વગર મત આપવાનો અધિકારી રહેશે. ભારતીય બંધારણે સંસદીય પ્રણાલી અપનાવી હોવાથી સરકારની રચના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે કરવામાં આવે છે. આમ, પશ્ચિમના વિકસિત લોકતંત્રોની તુલનામાં શરૂઆતથી જ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર ખાસ નોંધપાત્ર છે. મૂળ બંધારણમાં પુખ્ત મતાધિકાર ૨૧ વર્ષ હતો, જે ૬૧ મા બંધારણીય સુધારા, ૧૯૮૯ થી ૧૮ વર્ષ કરવામાં આવ્યો.

8) સ્વતંત્ર ન્યાયતંત્ર:

ભારતનું બંધારણ સ્વતંત્ર ન્યાયપાલિકા ધરાવે છે. તેને ન્યાયીક સમીક્ષા કરવાની શક્તિઓ પ્રાપ્ત છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે, ઉચ્ચ ન્યાયાલય તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણુંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ન્યાયાધીશોના પદની સુરક્ષા. અમેરિકાની જેમ આપણે ત્યાં કેન્દ્ર અને રાજ્યો માટે પૃથક ન્યાયતંત્ર નથી.

9) નીતિ નિર્દેશક તત્ત્વો:

આયરલૅન્ડના બંધારણથી પ્રેરિત માર્ગદર્શક સિદ્ધાંતો એ ભારતીય બંધારણનું બેજોડ લક્ષણ છે. તે પ્રજાતંત્રના આર્થિક, સામાજિક અને આર્થિક કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરે છે. આ સિદ્ધાંતો ન્યાયાલય દ્વારા અમલપાત્ર ન હોવા છતાં દેશના શાસનમાં નિર્દેશક છે. ભારતીય બંધારણના ભાગ-૪માં અનુચ્છેદ ૩૬ થી ૫૧માં આ સિદ્ધાંતો આપવામાં આવેલા છે.

10) સમાજવાદી રાજ્ય:

એવી પ્રશાસનિક વ્યવસ્થા જે અંતર્ગત સમાજની પ્રત્યેક વ્યક્તિને વિકાસના સમાન અવસર પ્રાપ્ત થાય. સમાજવાદી રાજ્યનો મૂળ ઉદ્દેશ્ય સમાજની આર્થિક, રાજનૈતિક અને અધિકારિક સમાનતા સુનિશ્ચિત કરવાનો છે. બંધારણના મૂળ સ્વરૂપમાં તેનો ઉલ્લેખ નથી. ૧૯૭૬માં ૪૨મા બંધારણ સંશોધન દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે.

11) એકલ નાગરિકતા:

સમવાયતંત્રી બંધારણમાં મોટેભાગે બેવડું નાગરિકત્ત્વ જોવા મળે છે. એક્ દેશનું અને બીજું રાજ્યનું. જોકે આપણા દેશના બંધારણમાં અપવાદરૂપે સમગ્ર દેશ માટે સમાનરૂપે એકલ નાગરિકતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આ વ્યવસ્થા અનુસાર દેશનો કોઈ પણ નાગરિક નિર્બાધ રૂપે દેશના કોઈપણ ખૂણે વિચરણ કરી શકે છે, રહી શકે છે, કોઈ પણ સ્થળેથી ચૂંટણી લડી શકે છે. અમેરિકામાં બેવડી નાગરિકતાની વ્યવસ્થા છે.

12) મૂળભૂત ફરજો:

મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો વિશે કોઈ ઉલ્લેખ નથી. પરંતુ ડિસેમ્બર ૧૯૭૬માં ૪૨મા બંધારણ સંશોધન દ્વારા બંધારણમાં ભાગ-૪એ જોડવામાં આવ્યો. જે અંતર્ગત અનુચ્છેદ ૫૧(એ)માં મૂળભૂત ફરજોને વ્યાખ્યાયિત કરવામાં આવી છે.

13) મૂળભૂત અધિકારો:

જીવન, સ્વતંત્રતા, સમાનતા તથા વિકાસ જેવા પાયાના માનવ અધિકારો કે જેને ન્યાયપાલિકા દ્વારા સંરક્ષણ પ્રાપ્ત હોય, જેના અભાવમાં પ્રજાતંત્રની સ્થાપના શક્ય ન હોય. બંધારણના ભાગ-૩માં અનુચ્છેદ ૧૨ થી ૩૫ માં મૂળભૂત અધિકારો વિશે વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. આમ, મૂળભૂત અધિકારો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. બંધારણ આપણને સ્વતંત્રતા, સમાનતા, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષા સંબંધી અધિકાર આપે છે.

14) વિશ્વના પ્રમુખ બંધારણોનો પ્રભાવ:

ભારતીય બંધારણ પર વિવિધ દેશોના બંધારણની પ્રત્યક્ષ પરોક્ષ અસરો જોવા મળે છે. જોકે આ બંધારણનો સૌથી મોટો સ્રોત ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ છે. ભારતીય બંધારણના કુલ ૩૯૫ અનુચ્છેદ પૈકી ૨૫૦ અનુચ્છેદ આ જ અધિનિયમમાંથી લેવામાં આવેલ છે.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!