Adv K D Sheladiya - Arbitrator & Advocate

પોલિસનો તમારા પ્રત્યેનો વ્યવહાર ઓળખાણ કે ભ્રસ્ટાચારથી ફરી જાય છે?

Hits: 289

પોલીસ, આ નામ એવું છે જે સરકારી નોકરી માં સૌથી વધુ બદનામ છે. કેમ કે પોલીસ નો સૌથી મોટો ગુણ છે સામાન્ય માણસ ને માણસ નહિ સમજવાનો. સામાન્ય સંજોગો માં જો કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન માં જાય તો પોલીસ સ્ટેશન ના દાદર ચડતા પહેલા જાણે એને એવો અહેસાસ થાય જાણે એ પાકિસ્તાન ની બોર્ડર માં પ્રવેશ કરતો હોય. લોકો માં પોલીસ ના નામનો ડર છે. ડર એટલે એવો ડર નથી કે કાનૂની કાર્યવાહી થશે અને કાયદાનો ડર હોવો જોઈએ એવો ડર નથી. પણ ગુંડા જેવો ડર છે. ઘણી વાર તમે “પોલીસ કરતા તો ગુંડા સારા” એવું કોઈ મોટી ઉંમરના લોકો પાસેથી સાંભળ્યું જ હશે.

ધારો કે તમારે કોઈ એક બનાવ સંદર્ભે પોલીસ ને ફરિયાદ આપવી છે તો એ ઘટના ને વિગતે જોઈએ જેથી આ બાબતે વધુ પ્રકાશ સાથે સમજી શકાય:

અરજી આપવા માટે જો કોઇ પો.સ્ટે. જાય તો પોલીસ સ્ટેશન માં પ્રવેશતા જ સામે પી.એસ.ઓ. બેસેલ હોય છે, તે મોટા ભાગે કોઈકને કોઈક કામ કરતા હોય છે. અને જો તમે વચ્ચે પૂછો કે ભાઈ મારે આ કામ કરવાનું છે, કે આ વ્યક્તિ ને કે આ અધિકારી ને મળવું છે, ત્યાં તો તમારું આવી બને. શું કામ છે ? કોને મોકલ્યા ? કોને પૂછી ને અંદર આવ્યા ? અરજી લાવ્યા છો ? લખી ને લાવ્યા છો કે ટાઈપ કરાવેલ છે ? ક્યાં વકીલ પાસે કરાવી ? વગેરે જાત જાત ના સવાલ ઉભા થાય. પછી જો તમને કોઈ અધિકારી ને મળવાનો મોકો મળે તો, આ બનાવ ક્યાં બન્યો ? કેમ બન્યો ? કોણ કોણ હાજર હતું ? તમે ત્યાં શું કરતા હતા ? તમે એને ઓળખો છો ? કઈ રીતે ? નંબર છે ? તમારી અરજી નું સ્થળ છે તે અમારા પોલીસ સ્ટેશન વિસ્તાર માં નથી આવતું. બીજા પોલીસ સ્ટેશન માં આપો. ક્યાં તો આ બનાવ મારી ચોકી ના વિસ્તાર માં નથી, વગેરે વગેરે જેવા સવાલો સામે આવે છે. અને આ સવાલો કોઈ સામાન્ય ભાષા માં નથી .આપણે જાણે ગુનેગાર હોયી એ રીતે પૂછવામાં આવે છે.પ્રશ્નો ની હારમાળા પછી તમારી અરજી સ્વીકારવામાં આવે છે. અને તમને કહી દેવામાં આવે છે કે ફોન આવે ત્યારે જવાબ લખાવવા આવજો. તમે અઠવાડીયું રાહ જુઓ અને ફોન ન આવે તો તમેં પોલીસ સ્ટેશન જાવ અથવા ફોન કરો તો તમને બોલાવવા માં આવે છે. અને તમને પોલીસ સ્ટેશન માં સાહેબ આવે છે એમ કહી બેસાડવામાં આવે છે. 1 કે 2 કલાક રાહ જોયા પછી પોલીસ અધિકારી આવે તો તમારું નિવેદન લેવામાં આવે છે. નિવેદન માં પણ કાકા મામા માસી ભાઈ માતા પિતા સાળાં સસરા સાળી મિત્રો ફોઈ ફુવા ના નામ સરનામાં મોબાઈલ નંબર જેવી બિનજરૂરી માહિતી ઓ લેવામાં આવે છે. જેનો બનાવ સાથે કોઈ મેળ ન હોય તો પણ સમય અને શબ્દો વેડફવામાં આવે છે. ત્યાર બાદ સામેવાળા ને કાલે બોલાવીશું એમ કહી તમને જવા માટે જણાવાય છે.

સામેવાળા ને તમે હોય ત્યારે જ બોલાવવા એવું તમે પોલીસ ને જણાવો તો પણ કાલે બોલાવીશું એમ જ કહેશે. કેમ કે સામાવાળા આવે ત્યારે તમારી હાજરી હોવી ન જોઈએ. જેથી પોલીસ ને સામેવાળા કે તેના વકીલ કે ઓળખ સાથે આવતા વ્યક્તિ સાથે કોઈ વ્યવહાર ની વાતચીત કરવા માં સરળતા રહે. જો સામાન્ય બાબત હોય તો વહીવટ પતિ જાય છે અને તમેં કેસ ની વિગત તપાસવા પાછા પોલીસ સ્ટેશન જાવ તો તમને જણાવી દેવામાં આવે છે કે કેસ પૂરો થઇ ગયો. તમે દલીલ કરો તો તમને વધુ માં વધુ “સમજ રસીદ” પકડાવી દેવામાં આવશે.

જો મેટર સિરિયસ હોય અને વહીવટ પણ થયો હોય તો તમને પોલીસ સ્ટેશન બોલાવી ને કહેવામાં આવશે કે “સામેવાળા ઉપર 151 કરવા માં આવી છે” તો સમજી લેવાનું કે વહીવટ બંને તરફ થઇ ગયો છે. આનાથી વધુ કઈ નહિ થાય.જે આ વાત કરી જેમાં સવાલો ની ભરમાર હતી, તે એક જ વાક્ય માં પુરી કરવી હોય તો પોલીસ સ્ટેશન ની ઓળખાણ ધરાવતા વકીલ, લોકલ નેતા, કે વહીવટદાર સાથે સાંઠગાંઠ રાખેલ વ્યક્તિને મળો તો આ તમામ પ્રશ્ન માંથી છુટકારો મળી જાય છે અને તમારી અરજી સ્વીકારાઈ, તેના પર આવક નંબર લખાઈ ને રજીસ્ટર માં ચડી જાય છે અને લોકલ અરજી નંબર પણ આવી જાય છે. અને આ તમામ બાબત માટે તમને એક પણ સવાલ પૂછવામાં આવતો નથી. અને જો બનાવ ને સીધો FIR લખી શકાય એવો હોય તો તો તાત્કાલિક FIR લખાઈ ને તમને એની નકલ પણ મળી જશે.

આ બાબત એ બતાવે છે કે પોલીસ સ્ટેશન માં ઓળખાણ, વહીવટ, સેટિંગ, વકીલ, પોલીસ અધિકારી, પૈસા, ભ્રસ્ટાચાર જેવા શબ્દો નું મહત્વ શું છે.

હાલ માં આ બાબત ને ટ્રેન્ડ કહેવા માં આવે છે. આ ટ્રેન્ડ છે આવકના સાધનનો: લોકો પણ ઓછા નથી, સેટિંગબાજ વકીલો ને સારા અને સક્સેસફુલ વકીલ ગણે છે. સેટિંગબાજ વકીલો એવા હોય છે જેને કાયદા સાથે કોઈ લેવાદેવા હોતા નથી, એ કાયદાના રક્ષક ગણનાર એજન્ટો (દા.ત. વચેટિયા, પોલીસના માણસો, એફઓપી, વહીવટદાર વગેરે…) સાથે મળી ને પતાવટ ના કામો કરે છે. અને “ટ્રેન્ડ” માં આવી જાય છે. ધૂમ કમાણી કરે છે, ગાડીઓ માં ફરે છે. આવા લોકો માટે કાયદા કાનૂન જેવી ભાષા કે વ્યવસ્થા સાથે કોઈ લેવા દેવા નથી હોતા. કોઈ પણ લોકો ની કાનૂની મુશ્કેલી તેના માટે કમાણી નો અવસર બની જાય છે. જે વકીલો દિવસરાત કાયદાકીય બાબતો નો અભ્યાસ કરી કોર્ટ માં કેસો લડી મહેનત કરતા હોય છે. અને આવા વકીલો હંમેશા ગુમનામ રહે છે.આ ટ્રેન્ડ માં જે સેટિંગબાજ વકીલો છે તે પોલીસ સાથે ભ્રસ્ટાચાર માં સંકળાયેલ હોય છે અને તેના લીધે પોલીસ સ્ટેશન માં તેની “વગ” ઉભી થાય છે. અને તેથી જ આવા ભ્રસ્ટાચાર ના કારણે પોલીસ નો વ્યવહાર તમારી સાથે બદલાયેલો અનુભવાય છે.

જેવો સેટિંગબાજ પોલીસ સ્ટેશન માં પહોંચે તો પોલીસ (કે જે તેની સાથે સંકળાયેલ હોય) ને ખબર પડી જાય છે કે આજે બકરો આવી ગયો છે. હલાલ કરીયે એટલીવાર છે. પૈસા નો વરસાદ થશે. અને આ આશા જ એના વ્યવહાર માં તફાવત ઉભો કરે છે.

જો સામાન્ય માણસ કોઈ અરજી આપવા આવ્યો હોય કે કોઈ કામ કરાવવા આવ્યો હોય તો તેની પાસેથી “મલાઈ” મળવાની શક્યતા નહિવત જેવી જ હોય છે એટલે તેની સામે પોલીસ નો રુઆબદાર સ્વર ઊંચો અને ઘાટો લાગે છે. પણ જો આ અરજી કોઈ સેટિંગબાજ પાસેથી આવે તો, તમને ખ્યાલ પણ રહે ને તમારો જવાબ અરજી ના અનુસંધાને લેવાઈ જાય, સામાવાળા ને ફોન થઇ જાય અને એને બોલાવાઇ જાય. યોગ્ય “મલાઈ”ના આધારે ફરિયાદ પણ લખવામાં આવી જાય છે.આ તમામ બાબતો કોઈક ને કોઈક અનુભવ ના આધારે લખી છે. અને આ સેટિંગબાજ શબ્દ સેટિંગ કરનાર વકીલો માટે છે. ખરેખર તો વકીલો એ વકીલાત કરવાની હોય છે. વકીલાત નો મતલબ થાય છે કોર્ટ માં જયારે કોઈ પક્ષકાર પોતાના તરફથી દલીલ ન કરી શકે, કેસ લડી ન શકે તો તેના તરફે તે વકીલ રોકે છે. જે કોર્ટ માં તેના તરફે રજૂઆતો કરે છે. પરંતુ સેટિંગબાજ શબ્દ દલાલી શબ્દ ની બરાબર નો હોય તે શબ્દ વાપર્યો છે. આ સિવાય અનેક બાબતો છે જેના વિષે બીજી કોઈક વખત વિગતવાર ચર્ચા કરીશું.

બાકી બધું બરાબર છે.

જય હિન્દ, જય ભારત, વઁદે સ્વરાજ…

લેખક: કે. ડી. શેલડીયા
આર્બીટ્રેટર & એડવોકેટ
મો. નં.: 9825170799

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!