શાંત ગુજરાતમાં અશાંત ધારો હવે વધુ કડક, નવો અશાંત ધારો કોના માટે? એ બધું જે તમે જાણવા માગો છો……

Hits: 566

  • સરકારની મંજૂરી વિના થયેલી મિલકતની લે-વેચ હવે ગેરકાયદેસર ગણાશે
  • સંપત્તિની લે-વેચ પર સરકારની નજર
  • અમદાવાદ શહેરના 764 વિસ્તારો અશાંત ધારા હેઠળ આવરી લેવાયા
  • અશાંત વિસ્તાર ફરતેના 500 મીટર વિસ્તારમાં પણ કાયદો લાગુ થશે
  • સરકારની સ્ક્રુટીની કમિટિની મંજૂરી પછી જ સંપત્તિની લે-વેચ કરી શકાશે
  • અશાંત ધારા વિસ્તારમાં પાવર ઑફ એટર્ની જેવા વિકલ્પ દ્વારા લે-વેચ નહીં

ગુજરાત વિધાનસભામાં 2019 માં અશાંત વિસ્તાર ધારો-1991માં સુધારો કરતું વિધેયક પસાર કર્યું હતું. આ વિધેયકે લાગુ થતા અશાંત વિસ્તાર ધારા હેઠળ સમાવિષ્ટ કોઇપણ ભાગમાં કલેક્ટરની પૂર્વમંજૂરી વગર એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયની વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરી શકશે નહીં. હાલ અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ગોધરા, હિંમતનગર અને કપડવંજના ચોક્કસ વિસ્તારોમાં આ કાયદો અમલી છે. નવા વિધેયક મુજબ અશાંત વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારોની ફરતે પાંચસો મીટરના વિસ્તારોમાં પણ આ જોગવાઇ લાગુ રહેશે. હાલ લગભગ અડધું અમદાવાદ આ કાયદા હેઠળ છે. અમદાવાદ તથા અન્ય શહેરોના નવા વિસ્તારો પણ અશાંત ધારા હેઠળ આવરી લેવાય એવી શક્યતા છે.

1991ની જોગવાઇઓમાં કેટલીક નબળાઇ:

અશાંત ધારા વિધેયક ગૃહમાં રજૂ કરતી વખતે હાલ મહેસૂલ વિભાગનો કામચલાઉ હવાલો સંભાળતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે મૂળભૂત રીતે રાજ્યમાં પ્રવર્તમાન ગુજરાત અશાંત વિસ્તાર ધારો-1991ની જોગવાઇઓમાં કેટલીક નબળાઇ અથવા ઉણપને કારણે આ કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારોમાં મિલકતોની તબદીલી થઇ જતી હતી, જેને કારણે કેટલાંક અસામાજિક તત્વો અથવા આવાં ઇસમો ધાક-ધમકીથી લોકોને પોતાની મિલકત કલેક્ટરની મંજૂરી વિના વેચવા ભય કે દબાણ ઊભું કરતાં હતાં.

મૂળભૂત કાયદામાં સુધારો:

હવેથી જો કલેક્ટરે મિલકત ધારક અને ખરીદનાર વચ્ચે થયેલી મુક્ત સંમતિ અને યોગ્ય કીમતના સોદાની તપાસની ચકાસણી ઉપરાંત જોવાનું રહેશે કે આ મિલકતની તબદીલીથી કોઇ એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ થતું નથી, એક વિસ્તારમાં રહેતાં જુદા-જુદા સમુદાયો વચ્ચેનું જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાતું નથી, અથવા એક સમુદાયના લોકોમાં અંધાધૂંધી ફેલાઇ રહી છે કે તેવી શક્યતા છે અને તેને કારણે તે વિસ્તારના જુદા-જુદા સમુદાયના લોકોમાં શાતિં અને સુમેળનો ભંગ થાય છે અથવા શક્યતા છે કે નહીં. ચુડાસમા એ જણાવ્યું કે અગાઉના કાયદાની જોગવાઇમાં મિલકની તબદીલીમાં વેચાણ, બક્ષીસ, વિનિમય, ભાડાપટ્ટે અથવા અન્ય કોઇપણ રીતેના માલિકીહક્કના ફેરફારના કરારો કે દસ્તાવેજની જોગવાઇઓ ન હતી. તેને બદલે વિધેયક દ્વારા મૂળભૂત કાયદામાં સુધારો લાવીને કોઇપણ પ્રકારે થતી તબદીલી જો કલેક્ટરની પૂર્વમંજૂરી વગર થઇ હશે તો તેને રદ્દ ગણવામાં આવશે. અશાંત વિસ્તાર ધારામાં સમાવિષ્ટ અને તેની ફરતેના પાંચસો મીટરના વિસ્તારમાં હવે મિલકતની તબદીલી કરવી હોય તો કલેક્ટરની મંજૂરી જરૂરી છે.

વિપક્ષના સભ્યોએ આ વિધેયકનો વિરોધ કરતાં જણાવ્યું કે ગુજરાત શાંત રાજ્ય હોવાનો દાવો થાય છે ત્યારે આવાં કાયદા નિરર્થક છે. લોકોને પોતાની મિલકતની લે-વેચના બંધારણીય અધિકારો ભોગવવા મળે તે સરકારે જોવું જોઇએ.

નવો અશાંત ધારો કોના માટે? એ બધું જે તમે જાણવા માગો છો:

અશાંત વિસ્તાર ધારો શું છે?

અશાંત વિસ્તારો કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સા બનતાં હોય તેવાં વિસ્તારોમાં શાંતિ રહે તથાં કોઇ એક ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી ખૂબ વધી જાય અને જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાય ત્યાં વસનારાં લોકોની મિલકતની તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો. અહીં મિલકતની તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વમંજૂરી જરુરી છે.

જો કાયદાનો ભંગ થાય તો દંડની જોગવાઇ શું?

આ કાયદાનો ભંગ કરનારને ત્રણથી પાંચ વર્ષની જેલ તથા રુપિયા એક લાખ અથવા તબદીલ થયેલી મિલકતના જંત્રીના ભાવના દસમાં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડપેટે ભોગવવાની રહેશે.

જો રીડેવલપ કરવા માગતા હોય તો?

અશાંત વિસ્તારમાં જો કોઇ વ્યક્તિ પોતાના મકાનનો સંપૂર્ણ કે અંશતઃ ભાગ વ્યાવસાયિક હેતુ માટે રીડેવલપ કરવા માગે તો, રહેણાંકની સોસાયટીના રજિસ્ટ્રેશન અથવાં સોસાયટીના ઘર અથવા જમીનનું વેચાણ, રજિસ્ટ્રાર કચેરીમાં મિલકતની દસ્તાવેજની નોંધણીમાં પણ આ કાયદાની જોગવાઇનો ભંગ થતો નથી તેવો સ્વએકરાર કરવાનો રહેશે. માત્ર સરકારના પ્રોજેક્ટ્સ હેઠળ વિસ્થાપિતો માટે બનાવાયેલી વસાહતોમાં આ કાયદો લાગુ પડશે નહીં.

મંજૂરી મેળવવા માટે શું કરવું?

મિલકતની તબદીલી માટે નિર્દિષ્ટ કરાયેલાં ફોર્મમાં અરજી કલેક્ટર સમક્ષ કરવાની રહેશે. કલેક્ટરે આ અરજીનો નિકાલ ત્રણ માસમાં કરવાનો રહેશે. જો કલેક્ટર અરજી નામંજૂર કરે તો તે રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી શકે છે.

મંજૂરી વગર આ પૂર્વે મિલકત તબદીલ થઇ હોય તો?

મિલકતની તબદીલી આપનાર વ્યક્તિએ મિલકતની રકમ છ માસમાં ખરીદનારને પાછી આપવી તથા મિલકત ખરીદનારે તેના મૂળમાલિકને મિલકતનો કબ્જો પાછો આપવાનો રહેશે. જો આમ ન થાય તો બેમાંથી કોઇપણ પક્ષ પોતાના હક્ક માટે કલેક્ટરને અરજી કરી શકશે. જો મિલકત આપનાર વ્યક્તિ ખરીદીની રકમ પરત ન કરે તો કલેક્ટર મિલકત વેરો તેની પાસેથી આકારીને અવેજની બાકીની રકમ તેને પરત કરશે. અથવા મિલકત ખરીદનાર વ્યક્તિ કબ્જો ખાલી ન કરે તો કલેક્ટર ચાહે તે રીતે બળનો ઉપયોગ કરી મિલકત ખાલી કરાવી શકે છે. આ ઉપરાંત જો મિલકતનો કબ્જો કોઇ લેવા તૈયાર ન થાય તો કલેક્ટર તેનો કબ્જો પોતાની પાસે રાખશે.

અમદાવાદના કયા વિસ્તારો સમાવિષ્ટ છે?

કાલુપુરના 59, શાહપુરના 167, માધવપુરાના 109, ગાયકવાડ હવેલીના 34, ખાડીયાના 10, શહેરકોટડાના 22, દરિયાપુરના 23, મેઘાણીનગરના 17, નરોડાના 48, શાહીબાગના 4, ખોખરાનો 1, રખિયાલના 14, ગોમતીપુરના 34, રામોલના 8, અમરાઇવાડીના 5, બાપુનગરના 16, દાણીલીમડાના 14, ઇસનપુરના 17, કાગડાપીઠના 9, વટવાના 14, અસલાલીના 7, વેજલપુરના 40, સરખેજના 8, એલિસબ્રિજના 41, પાલડીના 16, નવરંગપુરાના 6 અને રાણીપના 15 વિસ્તારો અશાંત વિસ્તાર ધારામાં સમાવિષ્ટ છે.

બીજા કયા વિસ્તારોમાં લાગુ પડી શકે?

હાલ ગુજરાત સરકારે શરુ કરેલી તૈયારી મુજબ રાજ્યની તમામ મહાનગરપાલિકા અને એવી નગરપાલિકાઓ કે જ્યાં હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો વસતાં હોય ત્યાં નવું જાહેરનામું બહાર પાડીને આ કાયદો ત્યાં લાગુ પાડી શકે છે. આ કાયદા મુજબ નવા વિસ્તારો માં અશાંત ધારો લાગુ કરવા જાહેરનામું બહાર પાડી શકાય છે. રાજ્યના અન્ય શહેરોના નવા વિસ્તારો પણ આ નવા કાયદા હેઠળ અશાંત ધારો લાગુ કરવામાં આવી શકે છે.

નવાં કાયદામાં શું જોગવાઇ છે

-અશાંત વિસ્તારની આસપાસના પાંચસો મીટરની ત્રિજયામાં આવતાં વિસ્તારોમાં પણ આ જોગવાઇ લાગુ
-માત્ર વેચાણ જ નહીં, બક્ષિસ, વિનિમય, પાવર ઓફ એટર્ની, ભાડાપટ્ટે, કે કોઇપણ પ્રકારના દસ્તાવેજથી પણ મિલકત તબદીલ કરવી હોય તો પણ કલેક્ટરની પૂર્વમંજૂરી જરૂરી
-મિલકતના વ્યવહારમાં બન્ને પક્ષ વચ્ચેની મુક્ત સંમતિ ઉપરાંત કલેક્ટરે તે પણ જોવાનું રહેશે કે કોઇએક સમુદાયની વસ્તી ચોક્કસ વિસ્તારમાં ખૂબ વધી જતી નથી અને ત્યારબાદ જ તબદીલીની મંજૂરી આપવી
-અશાંત વિસ્તારોમાં નવાં વિસ્તારોનો સમાવેશ કરવાના સૂચન માટે એસઆઇટીની રચના. એસઆઇટીમાં મ્યુનિસિપલ કમિશ્નર કે કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટી તથા સંબંધિત પોલિસ કમિશ્નર અથવા પોલિસ અધિક્ષક રહેશે.
-રાજ્યસરકાર મોનિટરીંગ, એડવાઇઝરી કમિટી બનાવશે જે કલેક્ટરને જે-તે વિસ્તારોમાં વસ્તીના સંતુલન અંગે નજર રાખી માર્ગદર્શન આપશે

1969, 1985ના રમખાણો બાદ અશાંત ધારો લાગુ:

અમદાવાદમાં 1969 તથા 1985-86ના કોમી રમખાણો બાદ કોટ વિસ્તારના શાહપુર, દરિયાપુર, જમાલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં હિંદુ પરિવારોએ નારણપુરામાં સ્થળાંતર કર્યું હતું. તેથી નારણપુરા ‘ન્યૂ ખાડિયા’ નામે પણ ઓળખાતો. બીજી બાજુ અસરગ્રસ્ત વિસ્તારોમાં લઘુમતી પરિવારોએ મકાનોની ખરીદી કરીને ત્યાં વસવાટ શરૂ કર્યો. રમખાણગ્રસ્ત વિસ્તારોમાં મિલકતોનું વેચાણ રોકવાના આશયથી બાદમાં સરકારે અશાંત ધારો અમલી કર્યો.

સામાજિક અસરો:

હિંદુ-મુસ્લિમ વસ્તીનો વિસ્તાર મર્યાદિત થશે: હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો જે વિસ્તારોમાં વસતા હશે ત્યાં એકબીજાની મિલકતોના વેચાણ પર મોટો અંકુશ આવી શકે છે. આ ઉપરાંત મુસ્લિમ કે હિંદુ વસ્તી એક ચોક્કસ વિસ્તારો પૂરતી જ મર્યાદિત રહેશે. એક સમુદાયના લોકોને બીજા સમુદાયના વિસ્તારમાં દુકાન કે વ્યવસાય કરવો હશે તો પણ અઘરું બનશે. તેની સામે અલગ-અલગ સમુદાયના લોકો વચ્ચે ભૌગોલિક અને લાગણીનું અંતર પણ વધી શકે. જો કે આ સાથે તમામ સમુદાયના લોકોનું વસ્તી આધારીત સંતુલન જળવાય તો કોઇ એક ચોક્કસ સમુદાય અન્ય સમુદાય પર હાવિ થાય તેવું ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાય.

આર્થિક અસરો:

કોમર્શિયલ પ્રૉજેક્ટ્સની ગતિ ધીમી પડશે: અશાંત વિસ્તાર ધારા હેઠળ સમાવિષ્ટ વિસ્તારોમાં વધારો થાય અને તેની સાથે તેની આસપાસના પાંચસો મીટર વિસ્તારના વિસ્તારોમાં તેની જોગવાઇઓ લાગુ પડાય તો ઘણાં વિકસતા વિસ્તારોમાં રહેણાંક અને કમર્શિયલ પ્રોજેક્ટ્સના કામોની પ્રગતિ પર બ્રેક લાગે. કલેક્ટરની મંજૂરી મેળવવાની નવી માથાકૂટ ઊભી થાય. આ ઉપરાંત ઝડપી મંજૂરી મેળવવા માટે કેટલાંક લોકો ભ્રષ્ટાચારનો ઉપયોગ પણ કરી શકે. કલેક્ટર પાસેથી મંજૂર લેવાની હોવાથી દરેક ટ્રાન્સફર પર સરકારની નજર રહે. આ માટે સરકારમાં ચૂકવવા પડતાં વેરાની આવક પણ સરકારને મળશે.

રાજકીય અસરો:

‘ભય’ની રાજનીતિ, રાજકીય લાભની ગણતરી: કોઇ સમુદાયના લોકોના વિસ્તારોમાં અન્ય સમુદાયના લોકો પગપેસારો કરી જાય તેવા ભયને દૂર કરવાના છૂપા આશયથી લાવવામાં આવેલું આ વિધેયક વર્તમાન ભાજપ સરકારને ખૂબ રાજકીય લાભ કરાવી શકે. તેની સામે કોંગ્રેસ તરફથી આ કાયદાને સંપૂર્ણ નિરસ્ત કરવાનું વલણ કોંગ્રેસને જ ભારે પડી શકે છે. ભાજપના ધારાસભ્યો વારંવાર એક સમુદાયની વસ્તીમાં અસામાજિક તત્વો પગપેસારો કરતાં હોવાનો મુદ્દો ઉઠાવીને તેનો રાજકીય લાભ લે છે. ભાજપની સરકાર જ આ કાયદો લાવી છે તેવો પ્રચાર કરીને ભવિષ્યની ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત થશે.

ગુજરાત હાઈકોર્ટે આપી મંજૂરી, વડોદરામાં અશાંત ધારો લાગુ વિસ્તારમાં હિંદુઓ મુસ્લિમોને દુકાનો વેચી શકશે

વડોદરાના જે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે ત્યાં હિંદુઓને તેમની દુકાનો મુસ્લિમોને વેચવાની ગુજરાત હાઈકોર્ટે 18 માર્ચ 2020 ના રોજ થી મંજૂરી આપી દીધી છે. હાઈકોર્ટે કહ્યું કે, તંત્રએ એ બાબતની ખરાઈ કરવાની નથી હોતી કે સોદો કોઈ દબાણ કે ભય વિના કરાયો છે કે નહીં, તંત્રએ વેચનારની મરજી અને પ્રોપર્ટીનો સોદો યોગ્ય કિંમતે થયો છે કે નહીં તે જોવાનું છે.

આ કેસમાં તંત્રએ હિંદુઓને તેમની પ્રોપર્ટીઓ મુસ્લિમોને વેચવાની એમ કહીને મંજૂરી નહોંતી આપી કે તેમ થવાથી તે વિસ્તારમાં હિંદુઓ વેપારીઓ ઘટી જશે. ૧૯૯૧ના અશાંત ધારા કાયદા (ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ, ૧૯૯૧) અંતર્ગત આવા વિસ્તારોમાં કોઈપણ પ્રોપર્ટીની અન્ય ધર્મના લોકો સાથે લે-વેચ કરતા પહેલા મંજૂરી લેવી જરૂરી છે.

હાઈકોર્ટે વડોદરાના ડેપ્યુટી કલેક્ટર અને સેક્રેટરીના એ આદેશને રદ કરી દીધો જેમાં તેમણે દિનેશ અને દીપક મોદી નામના બે ભાઈઓને તેમની પ્રોપર્ટી મુસ્લિમ ટ્રેડર્સ ઓનાલી ધોળકાવાળા અને ઈકબાલ ટીનવાલાને વેચવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. વર્ષ ૨૦૧૬માં તેમણે રજિસ્ટર સેલ ડીડ કર્યું હતું, પરંતુ આ પ્રોપર્ટી અશાંત ધારામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે ડેપ્યુટી કલેક્ટર સમક્ષ મંજૂરી માટે અરજી કરી હતી.

આ સોદો કોઈ દબાણ વિના થઈ રહ્યો છે કે કેમ, તેનાથી કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા થાય છે કે કેમ, આ સોદાથી વિસ્તારમાં હિંદુ/મુસ્લિમ બહુમતીને અને ભાઈચારાને કોઈ અસર પડે છે કે કેમ તેની તપાસ ડેપ્યુટી કલેક્ટરે પોલીસ કમિશનરને આદેશ આપ્યો હતો.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!