ભવ ભવ ના સંબંધો નું પૂર્ણવિરામ : છૂટાછેડા

Hits: 243

લગ્ન એટલે સ્ત્રીપુરુષ વચ્ચેનું અનન્ય અને અપ્રતિમ બંધન. લગ્ન એટલે ભવભવનો સંબંધ. લગ્ન એટલે એકમેક પ્રત્યેની લગન, વફાદારી ને સમર્પણભાવ. પણ કાળપ્રવાહમાં ઘણાં બધાં મૂલ્યો તણાઈ ગયાં છે, બદલાઈ ગયાં છે એમાંથી લગ્નસંબંધ પણ બાકાત નથી. ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતું લગ્નબંધન પણ તૂટી રહ્યું છે. લગ્નવિચ્છેદનું પ્રમાણ વધી રહ્યું છે જે સામાજિક દ્રષ્ટિએ ચિંતાજનક છે.કન્યા અને મુરતિયાએ તેમના મનોજગતમાં પોતાના જીવનસાથીની એક છબી અંકિત કરી રાખી હોય છે. વાસ્તવલોકમાં જીવવાનું થાય ત્યારે કલ્પનાલોકની છબી ધૂંધળી થતી લાગે છે અને ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે. સુખી દાંપત્યના કે આદર્શ યુગલના ખયાલો પાંદડા પરનું ઝાકળ ઊડે તેમ વાસ્તવના તાપથી બાષ્પીભવન થઈ જાય છે. રોમાંચનું ભવિષ્ય બહુ ટૂંકું હોય છે એ ઘણાંખરાં યુગલોને ખબર નથી હોતી. વાસ્તવના ધરાતલ પર કલ્પનાલોક ભાવલોકની આકાશી એષણાઓની કસોટી થાય છે ત્યારે દંપતી હતાશ થાય છે ને પડી ભાંગે છે. પોતાના પાત્રમાં સર્વગુણસંપન્નતાના ભાવ આરોપિત કરીને પરણેલાં યુવકયુવતીને લગ્ન બાદ એકમેકમાં નરી ઊણપ જ દ્રષ્ટિગોચર થાય છે. આ પાત્ર મારા લાયક નથી, પાત્રપસંદગીમાં હું થાપ ખાઈ ગયો/ગઈ કે મને લાયકાત મુજબનું મળ્યું નથી વગેરે લાગણી અનુભવીને સામેના પાત્ર ઉપર દોષ ઢોળીને છૂટા પડવાનો નિર્ણય કરી લે છે. મતલબ દંપતીઓની પરસ્પરની ઊંચી એષણા ને કાચી સમજ તેમના લગ્નજીવનનો ભોગ લે છે.

પહેલાં સંયુક્ત કુટુંબો હતાં. તેમાં કુટુંબ અગ્રસ્થાને હતું ને વ્યક્તિનું વૈયક્તિક સુખ બીજા ક્રમે, જેથી સભ્યોમાં જતું કરવાની ભાવના વિકસતિ હતી. સંયુક્ત પરિવારમાં સભ્યોની નાનીમોટી ઊણપો દબાઈ રહેતી હતી ને તેમની નાનાં નાનાં સુખોની ફરિયાદોને અવકાશ રહેતો નહોતો. બધાં વચ્ચે કામની વહેંચણી પણ થયેલી હોવાથી કામનું ભારણ પણ નડતું નહોતું. જ્યારે આજના વિભક્તિ કુટુંબમાં હંુતોહુંતીના શિરે ઘરની તમામ જવાબદારી આવી પડે છે. ઘરબાર, નોકરી, સંતાન વગેરે અનેક મોરચે લડતાં લડતાં તેઓ થાકે છે ત્યારે સાથે ઊભું રહેનાર ને સાંત્વના આપનાર કોઈ હોતું નથી. પરિણામે તેમનામાં તાણ જન્મે છે ને હતાશામાં સરી પડે છે. આ બધાંથી કંકાસ સર્જાય છે ને પરિણામે તેમાંથી છૂટા પડવાના સંજોગો નિર્માણ થાય છે.

આ વિષય પર વધુ વાત કરીએ તો પહેલાંના સમયમાં લગ્નગ્રંથિથી જોડાયેલાં પતિપત્નીનો સંબંધ ભવ ભવનો કહેવાતો. જેમાં પત્ની પતિના પગલે પગલે ચાલતી હતી. પત્ની પતિના સુખે સુખી અને દુખે દુખી થતી હતી. આર્ય સમાજની આર્યનારીઓની પતિવ્રતા અને પતિભક્તિ અજોડ અને અનન્ય હતી. આ બાબતનાં આપણી પાસે આદર્શ ઉદાહરણો પણ છે. રામ અને હરિશ્ચંદ્ર જેવા રાજવીઓ રાન રાન અને પાન પાન થઈ વનમાં ભટકતા હતા, ત્યારે તેમની અર્ધાંગનાઓ પુણ્યશ્લોક સીતા અને તારામતીએ પોતાના પતિદેવોનો સાથ છોડ્યો ન હતો. હા, ક્યારેક પતિદેવોએ રાજનીતિ કે સમાજના ભયથી સતીઓનો ત્યાગ કર્યો હતો.

જોકે એક મહત્ત્વની વાત એ છે કે તે સમયકાળની સમાજરચના પુરુષપ્રધાન હતી. પુરુષની ઇચ્છા સર્વમાન્ય અને સર્વગ્રાહી સાથે શિરોધાર્ય હતી. આજે પણ આ પરિસ્થિતિમાં બહુ ફરક પડ્યો નથી. આપણી સમાજરચના જ પુરુષપ્રધાન હતી અને હજી પણ છે. પરંતુ જ્યારથી આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવ્યા ત્યારથી આર્યસંસ્કૃતિનાં મૂલ્યો બદલાતાં ગયાં છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવવાના કારણે સ્ત્રીઓ શિક્ષણ લેતી થઈ જેના કારણે સ્ત્રીઓના મનમાં તે પુરુષસમોવડી છેની ભાવના પેદા થવા લાગી. સાથે સાથે તે આર્થિક બાબતે સંપન્ન અને પગભર થવા લાગી છે. સાથે તેને પોતાના સ્વનું ભાન થવા લાગ્યું. દરેક નિર્ણયમાં સ્ત્રીનો અવાજ પણ નિર્ણાયક અને મહત્ત્વનો બનવા લાગ્યો. એટલે જીવનસાથી પતિની કેટલીક વાતોનો કે નિર્ણયોને તે તર્કબદ્ધ રીતે વિચારે છે ને પોતાના વિચારો અને નિર્ણયો જીવનસાથી સમક્ષ રજૂ કરે છે.જો સ્ત્રી પતિની વાતમાં સંમત ન હોય તો તે પોતાનો વિરોધ કરે કે અસમંતિ જાહેર કરે છે. તેને જ્યાં અન્યાય જેવું લાગે ત્યાં પોતાનો અવાજ બુલંદ કરી અને માથું ઉન્નત કરીને પોતાની વાત મૂકે છે, પરિણામે સ્ત્રી અને પુરુષ બન્નેનાં અહં ટકરાય છે. જેથી બન્નેના સંબંધમાં ઘર્ષણ પેદા થાય છે. આ ઘર્ષણ ચરમસીમાએ પહોંચે છે અને બન્ને પક્ષોમાંથી કોઈ એક નમતું જોખવા તૈયાર નથી થતા. આમ નાની સરખી વાત વણસતાં વણસતાં પતિપત્ની જે લગ્નની ગાંઠે જોડાયાં હોય અને તેમનો ભવ ભવનો સંબંધ બંધાયેલો છે, તે સંબંધ છૂટાછેડા સુધી પહોંચી જાય છે. સ્વાભાવિક રીતે આજે સ્ત્રીની પોતાની આશા કે એષણા કે લાગણી નજરઅંદાજ થાય કે તેની અવગણના અથવા તો અવહેલના લાગે હોય ત્યારે સ્ત્રી પોતની વાત તારસ્વરે વ્યક્ત કરવા લાગે/લાગી છે.

એક વાત ચોક્કસ છે કે આજના સમયમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. છૂટાછેડા પાછળ વ્યક્તિગત, સામાજિક અને કૌટુંબિક કારણો જવાબદાર છે. એક અહેવાલ પ્રમાણે ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ ૧.૧ ટકા જેટલું છે. આનો અર્થ દર સો જોડાંએ એક જોડું છૂટાછેડાની માંગ કરે છે. છૂટાછેડા પાછળ સામાજિક દ્રષ્ટિએ આપણા વિભક્ત થતાં કુંટુબો, સ્ત્રીઓની આર્થિક સધ્ધરતા, તો વ્યક્તિગત રીતે વ્યક્તિનું આત્મકેન્દ્રીત વલણ, મમત્વ જેવાં કારણો જવાબદાર છે. માનસિક ભૂમિકાએ જોઈએ તો આધુનિક સમયમાં યુગલોમાં પડ્યું પાનું નિભાવવાની વૃત્તિનો અભાવ છે કે લોપ થયો છે સાથે સાથે આત્મીયતાની ઊણપ જોવા મળે છે.

હાલ આપણો સમાજ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. સમાજનાં ઘણાંખરાં ધોરણો અને મૂલ્યો બદલાઈ રહ્યાં છે. બદલાયેલાં મૂલ્યો અને ધોરણોની વધુ માહિતી સમજીએ તો, ‘હાલ આપણા ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. તેને માટે મહિલાઓની સ્વતંત્રતા અને આર્થિક સધ્ધરતાને મહત્ત્વનું કારણ ગણી શકાય. પણ આ બધી ચર્ચા એટલા માટે થાય છે કે હવે, આ બધું મીડિયામાં આવે છેે. આઝાદીનાં ૬૦ વર્ષ પછી છૂટાછેડાના કિસ્સા વધારે બહાર આવ્યા છે. વધુમાં તેઓ કહે છે કે આપણા સમાજમાં લગ્ન એ સંસ્કાર છે પણ આ સરકાર ઘસાતા જાય છે. સાથે આજના યુવાનોમાં પડ્યું પાનું નિભાવવાની વૃત્તિ નહિવત્ જોવા મળે છે. આ સાથે પ્રેમલગ્નનું વધતું પ્રમાણ અને સમાજમાં પંચનું અસ્તિત્વ રહ્યું નથી. વળી આજની ફાસ્ટ લાઇફમાં સમયનો અભાવ પણ મુખ્ય ભાગ ભજવે છે.

બીજી એક મહત્ત્વની વાત એ છે કે, એકબીજા માટે આદર, પ્રેમ સાથે જીવનસાથીને સમજવાની કોશિશ અથવા તો અનુકૂલન સાધવા પ્રયત્ન કરવા, કારણ કે તમારા નિર્ણય સાથે અનેક લોકોનું જીવન સંકળાયેલું છે. તમે અને તમારા પરિવાર સાથે સમાજના અસ્તિત્વનો પણ પ્રશ્ન છે. છૂટાછેડાનું વધતું પ્રમાણ સમાજ માટે ખતરાની નિશાની સમાન છે.’ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ છૂટાછેડાનો છેદ કરવો તે સમાજ માટે હિતાવહ છે.

આપણા બંધારણમાં મહિલાને ઘણી સ્વતંત્રતા આપવામાં આવી. ભીમરાવ આંબેડકરે જ્યારે બંધારણમાં સ્ત્રીહકની બંધારણમાં જોગવાઈઓ કરી હતી. તે વખતે ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેનો સ્વીકાર નહોતો કર્યો. તેથી કાયદામંત્રી તરીકે આંબેડકરે રાજીનામું આપ્યું હતું. જેમ જેમ સરકારો બદલાઈ તેમ તેમ સ્ત્રીહકો અને કાયદા વધતા ગયા.આજે કાયદામાં જોગવાઈ છે કે, લગ્ન બાદ પારસ્પરિક મંજૂરીથી છૂટાછેડા લેવા માંગતા બન્ને પક્ષોને અરજી દાખલ કર્યા પછી ઓછામાં ઓછા એક વર્ષની રાહ જોવાની રહે છે. કાયદામાં આ અને બીજી કઈ જોગવાઈ છે. સામાન્ય રીતે છેલ્લાં ૧૦ વર્ષમાં છૂટાછેડાને લગતી અરજીઓનું પ્રમાણ વધ્યું છે. આ પાછળનાં કારણો જોઈએ તો, આજના યુવાનોમાં કુંટુબ નિભાવવાની સૂઝ કે ભાવના નથી. આ ઉપરાંત સ્ત્રી પોતાના કાયદાકીય હકોને લઈને વધુ જાગૃત બની છે.(પણ સામે ફરજ ભૂલી છે.) સાથે વિભક્ત કુંટુંબપ્રથાના કારણે વડીલો અને સમાજનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ વ્યક્તિગત જીવનમાં રહ્યો નથી. લોકોમાં સ્વકેન્દ્રીપણું વધી રહ્યું છે.

મારી દ્રષ્ટિએ ૪૫ ટકા છૂટાછેડા પાછળનાં મુખ્ય કારણોમાં આજના યુવાનો લગ્ન કરતાં પહેલાં કોઈ વિચાર કરતા નથી. જોશ અને જુસ્સામાં ભાવુક થઈને લગ્ન કરે છે. પછી લગ્નજીવનની વાસ્તવિકતાનો સામનો થાય ત્યારે તે નિભાવી શકતા નથી. અને વાત છૂટાછેડા પર આવીને અટકે છે.

કોર્ટમાં જ્યારે છૂટાછેડાની અરજી આવે ત્યારે કોર્ટ દ્વારા વાદીપ્રતિવાદી વચ્ચે સુલેહ કરાવવા માટે સમય આપવામાં આવે છે. પણ જીદે ચડેલા યુવાનિયાઓ એક વર્ષ પણ રાહ જોવા તૈયાર નથી હોતા. તેથી તેઓ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પપેપર પર સંમતિથી છૂટાછેડા કરી નાખે છે. આ માર્ગ બારોબાર લગ્ન ફોક કરી નાખે છે. વધુમાં તેઓ જણાવે છે, મારા ૧૦ વર્ષના અનુભવના આધારે કહી શકું કે ૧૦૦ માંથી ૧૦ કેસોમાં સમાધાન થાય છે. બાકી છૂટાછેડા અંતિમ પગલું હોય છે.

તેમની પાસે આવતા છૂટાછેડા માગનારાને તેઓ પ્રથમ સમજાવે છે અને સમાધાન માટે મનાવે પણ છે. તેઓ ‘અભિયાન’ના માધ્યમથી એક જ સંદેશો આપવા માંગે છે કે, કોઈ પણ મુદ્દે અંતિમવાદી ન બનો. જરા વિચારો અને ખુલ્લા મને કોઈની સાથે ચર્ચા કરો તો જરૂરથી રસ્તો મળશે.

અંતમાં છૂટાં પડી ગયાં છે એમનાં માટે તો કશું થઈ શકે તેમ નથી, પણ છૂટા પડવાનું નક્કી કરી બેઠેલાં યુગલોને અમે તો સલાહરૂપે રસિકલાલ પરીખ ‘મૂસિકર’ની એક પંક્તિ જ સંભળાવીશું.

“સંસારે વિચરો પરસ્પર ધરી આસ્થા અને ધૈર્યથી,
સ્હેજો એકબીજા તણી ઊણપને માંગલ્ય તેથી બધું.”

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!