પોલીસ સ્ટેશન અધિકારી જયારે કોગ્નીઝેબલ ગુન્હાની ફરિયાદ નોંધવાની ના પાડે ત્યારે શું કરવું?

Hits: 353

પોલીસ સ્ટેશન અધિકારી જયારે કોગ્નીઝેબલ ગુન્હાની ફરિયાદ નોંધવાની ના પાડે ત્યારે તાલુકા મેજીસ્ટ્રેટશ્રીને ફરિયાદ આપી શકાય છે. અથવા તો કોર્ટ માં પણ તેની કાર્યવાહી કરી શકાય છે. આ અંગે ગૃહ વિભાગ ના સચિવ શ્રી જે. મહાપાત્ર એ ગુજરાત સરકાર, ગૃહ વિભાગ ના ઠરાવ ક્રમાંક: પસફ – 998 – 2511 – ડ નો તારીખ તા. 22-4-98 નો હુકમ/ઠરાવ/પરિપત્ર કરેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

આમુખ:

કોઇ કોગ્નીઝેબલ ગુનાહીત કૃત્ય અંગે પ્રજા તરફથી ફરિયાદ આપવામાં આવે તો તે અંગે તાત્કાલિક ફરિયાદની નોંધણી અને તે અંગેની કાનૂની કાર્યવાહી કરવાની પોલીસ સ્ટેશન અધિકારીની ફરજ છે. આમ છતાં ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે, જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ ફરિયાદ નોંધતા નથી કે સ્વીકારતા નથી. તેવી રજૂઆતો રાજ્ય સરકારને મળતી રહે છે. ફરિયાદ નહી નોંધવાની આ ક્રિયા પ્રજાજનોને ન્યાય માટે “ના પાડવા’ બરાબર છે. પોલીસ સ્ટેશન અધિકારીઓની આવી ફરિયાદો તાકીદે નોંધવાની અને કાયદા રાહે તેનો ઝડપથી ઉકેલ આવે તે જોવાની ફરજ છે. ફોજદારી કાર્યરીતિ ધારાની કલમ-154 માં કોગ્નીઝબલ ગુન્હાની ફરિયાદ નોંધવાની કાર્યપદ્ધતિ વર્ણવેલ છે જે નીચે મુજબ છે.કલમ-154, પોલીસ અધિકારના કેસોમાં ખબર:

(1) પોલીસ અધિકારનો કોઇ ગુનો થવા અંગેની દરેક ખબર કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને મૌખિક રીતે આપવામાં આવે તો તેણે તે લખી લેવી જોઇએ અથવા પોતાની દેખરેખ નીચે લખાવી લેવી જોઇશે અને ખબર આપનારને વાંચી સંભળાવવી જોઇએ અને એવી દરેક લેખિત કે લખી લેવાયેલ ખબર ઉપર, ખબર આપનારે સહી કરવી જોઇશે અને આ માટે રાજ્ય સરકાર ઠરાવે તેવા નમૂનામાં તે અધિકારીએ પોતે રાખવાની ચોપડીમાં તેનો સારાંશ નોંધી લેવો જોઇશે.

(2) પેટા કલમ(1) હેઠળ નોંધ્યા પ્રમાણેની ખબરની એક નકલ ખબર આપનારને વિનામૂલ્યે તરત આપવી જોઇશે.

(3) પેટા કલમ(1)માં ઉલ્લેખેલી ખબર નોંધવા માટે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ ના પાડ્યાની નારાજ થયેલી કોઇપણ વ્યક્તિને માહિતીનો સારાંશ સંબંધિત પોલીસ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટને લખીને ટપાલ મારફત મોકલી શકશે અને જો તે પોલીસ સુપ્રિ.ને ખાતરી થાય કે તેવી ખબરથી પોલીસ અધિકારીનો ગુન્હો થયાનું જણાય છે તો તેઓ આ અધિનિયમમાં ઠરાવેલ રીતે જાતે પોલીસ તપાસ કરશે અથવા પોતાની સત્તા નીચેના પોલીસ અધિકારીને તે પ્રમાણે પોલીસ તપાસ કરવાનો આદેશ આપશે અને તેના અધિકારીને તે ગુના સંબંધમાં પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અધિકારીને જે સત્તા હોય છે તે તમામ સત્તા રહેશે.

ફોજદારી કાર્યરીતિ ધારાની કલમ-154(3) હેઠળ જિલ્લા પોલીસ અધિકારીની મદદથી ફરિયાદીની ફરીયાદ નોંધાવવાની ઉપર્યુકત જોગવાઇ હોવા છતાં ફરિયાદ નહીં નોંધવાની પરિસ્થિતિમાં કોઇ ફેરફાર થયેલ નથી. પ્રજાને આવી ફરીયાદો નોંધાવવા માટે જિલ્લાના પોલીસ મુખ્ય મથકે મદદ લેવા જવામાં ધણી મુશ્કેલીઓ પડતી હોય છે. ખરેખર તો ફરિયાદો નોંધાવવા ફરિયાદીએ તેમના વતન-ગામડેથી ઘણે દૂર જવું ન પડે તે માટે આવી વૈકલ્પિક વ્યવસ્થા તેમના ગામથી નજીકના તાલુકા કક્ષાએ થાય તે જરૂરી જણાતું હતું.ઠરાવ:

ફોજદારી કાર્યરીતિ ધારાની કલમ-154ની સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં અમુક પોલીસ સ્ટેશનમાં સ્થાનિક પોલીસ સ્ટેશન અધિકારી કોગ્નીઝેબલ ગુન્હાના પ્રથમદર્શી અહેવાલ (એફ.આઇ.આર.)ની નોંધણી નથી કરતા તેવી જાહેર જનતાની રજૂઆત લક્ષમાં લઇને રાજ્ય સરકારે લોકોની રજૂઆત યોગ્ય રીતે નોંધાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવાનું જરૂરી જણાયું છે. આના કારણે સમાજના નબળા વર્ગના ફરિયાદીને યોગ્ય ન્યાય મેળવવામાં વિશેષ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જયારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી આવી નોંધણી ન કરે ત્યારે સંબંધિત વ્યક્તિ નજીકના તાલુકા મેજીસ્ટ્રેટને લેખિતમાં કોગ્નીઝેબલ ગુન્હાનો પ્રથમદર્શી અહેવાલ (એફ. આઇ. આર.) આપી શકશે અને તાલુકા મેજીસ્ટ્રેટ આ ફરિયાદ તેમના “શેરા” સાથે સંબંધિત પોલીસ સ્ટેશન અધિકારીને મોકલશે. તાલુકા મેજીસ્ટ્રેટ તરફથી આવી વિગતો મળ્યેથી તુરત જ જે તે પોલીસ અધિકારી એ તેની નોંધણી કરવાની રહેશે. આમાં કોઇ કસુર ન થાય તે જોવાની જવાબદારી જિલ્લા પોલીસ અધિક્ષકની રહેશે. કોઇ કિસ્સામાં કોઇ મુશ્કેલી ઉપસ્થિત થાય તો તેનું નિરાકરણ જિલ્લા કક્ષાએ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા મેજીસ્ટ્રેટના પરામર્શમાં કરશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, જે. મહાપાત્ર, સચિવ, ગૃહ વિભાગ.

Facebook Comments

તમે લેખ www.kdsheladiya.com ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો.

જાહેર સૂચના: કોઈ પણ વ્યક્તિ-વેબસાઈટ કે સોશિયલ મીડિયા યુઝરે અમારો આ આર્ટિકલ અમારી લેખિત પરવાનગી વિના કોપી કરવો નહિ કે આ આર્ટિકલ નો કોઈ પણ ભાગ પોતાના નામે અથવા નામ વગર પોતાના પેજ, બ્લોગ, વેબસાઈટ કે સોશિયલ મીડિયા માં મુકવો કે પ્રકાશિત નહિ. અથવા તો અમારા આર્ટિકલ ને ક્રેડિટ માં નામ આપી કોપી કરવો નહિ કે ક્યાંય પ્રકાશિત કરવો નહિ. જો તેમ છતાંય તમે આ સૂચના નું ઉલ્લંઘન કરશો તો તમારા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ કે કોપી રાઈટ એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!